ઓખાના દરિયામાંથી હથિયાર અને ડ્રગ્સ મગાવનારની થઈ ઓળખ, હવે સ્લીપર સેલ પર ATSની નજર  
                                       
                  
				  				  
				   
                  				  ગુજરાતના દરિયામાંથી વારંવાર નશીલા પદાર્થો પકડાતા રહ્યાં છે. જખૌ અને ઓખાના દરિયામાંથી પાકિસ્તાન તરફથી આવતી બોટમાં નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે. ત્યારે કોસ્ટગાર્ડ અને ATSના સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાનથી આવેલી અલસોહેલી બોટમાંથી અંદાજે  300 કરોડનું ડ્રગ્સ અને હથિયારો ઝડપાયાં છે. તે ઉપરાંત આ બોટમાંથી 10 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી છે.  ત્યારે આ મામલે ડ્રગ્સ મંગાવનારની ઓળખ થઈ હોવાનો ખુલાસો થયો છે. ટુંક સમયમાં જ ડ્રગ્સના રિસિવરની ધરપકડ થઈ શકે છે. 
				  										
							
																							
									  
	 
	ATSની નજર હવે સ્લીપર સેલ પર છે. સ્લીપર સેલને પકડી પાડવા ATSની ટીમ સક્રિય થઈ ગઈ છે. ઓખા પાસે દરિયામાં કોસ્ટગાર્ડ અને ATSએ ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાની બોટ તથા 10 પાકિસ્તાની ઈસમોને 40 કિલો હેરોઈન, 6 પિસ્ટલ, 12 મેગ્ઝિન અને 120 કારતૂસ સાથે પકડી પાડ્યા હતાં. પોલીસને પ્રાથમિક તપાસમાં જ પોલીસને જાણવા મળ્યું હતું કે, આ હેરોઈન અને ગેરકાયદે હથિયારોનો જથ્થો પાકિસ્તાન સ્થિત ડ્રગ માફિયા હાજી સલીમ બલોચ મોકલાવતો હતો.
				  
	 
	તે આ ડ્રગ્સ તથા હથિયારોનો જથ્થો ગુજરાતના દરિયા કિનારે ઉતારી ભારતમાં કોઈ વ્યક્તિને આપવાનો હતો. તેમજ હથિયારોનો જથ્થો લેવા માટે કયા વ્યક્તિઓ સામેલ છે તથા નાણાંકિય કડીઓ શોધવા માટે પોલીસ સક્રિય થઈ ગઈ છે. ATSએ ચાર વર્ષમાં 4285 કરોડનું ડ્રગ્સ અને હેરોઈન પકડી પાડયું છે. તે ઉપરાંત આ હેરાફેરીમાં 116 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં 16 ઈરાની, 5 અફઘાની, એક નાઈજીરિયન અને 49 પાકિસ્તાનીઓ સામેલ છે.