1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 12 જાન્યુઆરી 2024 (12:13 IST)

અમદાવાદના ચાંદખેડામાં જમીન દલાલે સામાન્ય તકરારમાં ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું

firing in ahmedabad
firing in ahmedabad
- જમીન દલાલે સામાન્ય તકરારમાં કર્યુ ફાયરિંગ
- રિવોલ્વરથી આડેધડ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા
- પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી

શહેરમાં હવે ગુનાગોરી બેફામ પણે વધી રહી છે. પોલીસનો ડર હવે રહ્યો જ નથી એવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે. સામાન્ય વિવાદનું સ્વરૂપ મોટુ થઈ જાય છે અને માણસની જિંદગી જોખમમાં મુકાય છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં ગઈ કાલે રાત્રે એક જમીન દલાલે સામાન્ય તકરારમાં બંદૂક કાઢીને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કરી નાંખ્યું હતું. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે શહેરના ચાંદખેડા નજીક રહેતા ધર્મેશ ભરવાડ તપોવન સર્કલ પાસે પાન પાર્લર ચલાવે છે. 5 વર્ષ અગાઉ તેમના પડોશમાં રહેતા ચંદનસિંહ ચંપાવત અને તેના નાના ભાઈ સાથે રસ્તાની બાબતે ઝગડો થતાં પોલીસ ફરિયાદ થઈ હતી. આ કેસ હાલમાં કોર્ટમાં ચાલુ છે. ગઈકાલે રાતે ધર્મેશભાઈ જમીને રાતે પાન પાર્લર પર બેઠા હતા. ત્યારે ગ્રહકોની ભીડ થઈ હતી. આ સમય દરમિયાન હરિસિંહ ચંપાવત પણ ત્યાં આવ્યો હતો અને ગંદી ગાળો બોલી રહ્યો હતો. આ દરમિયાન ધર્મેશભાઈના કાકા નવઘણ ભાઈએ હરિસિંહને ગાળો બોલવાની ના પાડતાં હરીસિંહે નવઘણભાઈને ધક્કો મારી પાડી દીધા હતા.જેથી આસપાસના લોકો ભેગા થતા હરિસિંહ ત્યાથી જતો રહ્યો હતો.ત્યારબાદ થોડીવારમાં હરિસિંહ ફરીથી ગાડી લઈને આવ્યો અને અન્ય યુવક તેની સાથે થાર ગાડી લઈને ત્યાં જ પરત આવ્યા હતા.ગાડીમાંથી નીચે ઉતરતા જ હરિસિંહ ધર્મેશભાઈ પર રિવોલ્વરથી આડેધડ ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી.હરિસિંહ હાથમાં રિવોલ્વર લઈને આવ્યો તે સમયનો વિડિયો પણ સામે આવ્યો છે. કોઈનો ડર ના હોય તે પ્રકારે જાહેરમાં રિવોલ્વર લઈને આવેલા હરિસિંહે આમતેમ આંટાફેરા પણ કર્યા હતા. આ અંગે ચાંદખેડા પોલીસે હરિસિંહ અને અન્ય કાર ચાલક સામે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.