સોમવાર, 27 ઑક્ટોબર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (14:41 IST)

માનવતાને લજવી, કૉલેજની વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ મુદ્દે હોબાળો

Gujarat college
કચ્છના વડામથક ભૂજમાં સ્થિત સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટિટ્યૂટમાં કોલેજની વિદ્યાર્થીઓના માસિક ધર્મ અંગે તપાસ કરવામાં આવતા ચારેબાજુ હોબાળો થયો છે. આ મામલે વિદ્યાર્થીનીઓએ વિરોધ નોંધાવ્યો હતો. સંચાલકોએ વિદ્યાર્થીનીઓ પર દબાણ લાવીને આખો મામલો દબાવવાનો પ્રયાસ કર્યો છે. બીજી તરફ વિદ્યાર્થીનીઓની માંગણી છે કે આ મામલે સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે. વિદ્યાર્થીનીઓના કહેવા પ્રમાણે તેમને કોલેજ અને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની પણ ધમકી આપવામાં આવી છે. સાથે જ એવી પણ ધમકી આપવામાં આવી હતી કે આવી રીતે ભવિષ્યમાં પણ તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થીનીઓના આક્ષેપ પ્રમાણે બુધવારે તેમને ચાલુ ક્લાસમાંથી બહાર પેસેજમાં બેસાડવામાં આવી હતી. જે બાદમાં માસિક ધર્મ અંગે પૂછપરછ કરીને એક પછી એક વિદ્યાર્થિનીને વોશરૂમમાં લઈ જઈને તેમની તપાસ કરવામાં આવી હતી.આ ઘટના બાદ વિદ્યાર્થિનીઓએ વિરોધ નોંધવ્યો હતો. જે બાદમાં તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે, જો તમારે વિરોધ કરવો હોય તો તમે હૉસ્ટેલ છોડીને જઈ શકો છો. વિદ્યાર્થિનીઓના કહેવા પ્રમાણે તેમને એવું કહેવામાં આવ્યું હતું કે ભવિષ્યમાં પણ પ્રકારની તપાસ થશે. જેમને અભ્યાસ કરવો હોય એ કરે બાકી પોતાના ઘરે જઈ શકે છે. આ ઉપરાંત વિદ્યાર્થીનીઓને જે થાય તે કરી લેવાનું પણ કહેવામાં આવ્યું હતું.આ મામલે કૉલેજની તમામ વિદ્યાર્થિનીઓએ વિરોધ કરતા સંચાલકોએ અમુક વિદ્યાર્થિનીઓને ઑફિસમાં બોલાવી હતી અને ઇમોશનલ બ્લેકમેલ કરીને આ વાતને પૂરી કરવાનું કહ્યું હતું. વિદ્યાર્થિનીઓને કહેવા પ્રમાણ તેમને ઇમોશનલ બ્લેકમેઇલ કરીને તેમની પાસેથી લખાણ પણ લખાવી લીધું હતું. સાથે જ સંચાલકોએ વિદ્યાર્થીનીઓને એવું પણ કહ્યું હતું કે જો તમને અમારા પ્રત્યે લાગણી હોય તો આવું ન કરો. પગલાં લેવાની વાત ન કરો.