શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ઑક્ટોબર 2019 (12:15 IST)

પિઝામાંથી જીવાત નીકળતા ડોમિનોઝ પિઝાના આઉટલેટને સીલ કરાયું

અમદાવાદમાં સત્તાધાર ચાર રસ્તા પાસે  કલાસાગર મોલમાં આવેલા ડોમિનોઝ પીઝાના આઉટલેટમાં ગ્રાહકે પિઝાનો ઓર્ડર આપ્યો હતો. પિઝામાંથી જીવાત નિકળતા આ મામલે મ્યુનિ.હેલ્થ ખાતાને જાણ કરવામા આવી હતી. મામલાની ગંભીરતાને જોતા મ્યુનિ.તંત્ર દ્વારા  મોડી સાંજે તેને સીલ મારી દેવામાં આવ્યું હતું. શુક્રવારે દિવસ દરમિયાન હેલ્થ ખાતાએ ચકાસણી દરમિયાન  રસોડામાં સ્વચ્છતા અંગેના જરૂરી નીતિ નિયમોનું પાલન થતું જોવા ન મળતા કુલ ૨૭ ખાદ્યપદાર્થોના એકમોને નોટિસ ફટકારાઇ હતી. ૪૭, ૫૦૦ રૂપિયાનો દંડ વસુલાયો હતો.

મણિનગરના ઓનેસ્ટના ઢોંસામાંથી તેમજ ડ્રાઇવિંગ રોડ પરની સંકલ્પ હોટલના ઇડલી-સંભારમાંથી વંદા નીકળવાની ઘટના બાદ શુક્રવારે સત્તાધાર ચાર રસ્તા પાસેના ડોમિનોઝ પિઝાના આઉટલેટમાંથી ઓર્ડર કરાયેલા પિઝામાંથી જીવાત નીકળવાના મામલે મ્યુનિ.તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરીને તેને સીલ મારી દેવાયું હતું.

આ ઉપરાંત  હેલ્થ અધિકારીઓની ચકાસણીમાં હાઇજેનિક સ્થિતિ સારી ન જોવા મળતા આંબાવાડીમાં અંતરિક્ષ કોમ્પ્લેક્ષમાં આવેલ બંટી ફાસ્ટફૂડને, નવરંગપુરામાં રી બેલ ફુડ્સ(ફાસોસ), સોલામાં ઉગમતીધામ ખાતે ફાસોસ ફૂડ સર્વિસ પ્રા.લી., વસ્ત્રાપુરમાં સરદાર સેન્ટરમાં ધ બીગ એફ, મણિનગરમાં પુષ્પકુંજ સર્કલ પાસે પ્રાચી ફુડ્સ(શક્તિ સેન્ડવિચ) અને શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલ પાસે આવેલા સૌરાષ્ટ્ર ગાંઠિયા રથને પાંચ હજાર રૂપિયાનો દંડ કરવામા ંઆવ્યો હતો.

વસ્ત્રાપુરમાં સરદાર સેન્ટરમાં આવેલ કર્ણાવતી દાબેલીને ૨ હજાર, જય ભવાની વડાપાઉ એન્ડ ફાસ્ટફૂડને ૧,૫૦૦નો દંડ કરાયો હતો. થલતેજમાં શંભુ કોફી બારને ૧ હજાર, મણિનગરમાં મિ.પફને ૩ હજાર, માધવથાળને ૨,૫૦૦નો તેમજ ડેન્ગી ડમ્સને ૧ હજારનો દંડ કરાયો હતો. શાહીબાગમાં સીટી સ્વાદ રેસ્ટોરન્ટને ૩ હજાર, રાજસ્થાન ભોજનાલયને ૨ હજાર તેમજ વિજયસિંહ રામસિંહ પઢીયાર કેદાર ટાવરને ૧,૫૦૦નો દંડ કરાયો હતો. ધૂમ્રપાન બાબતે પણ ૬ નોટિસ આપીને ૧,૪૦૦નો દંડ વસુલાયો હતો. ૮૭ કિલો અખાદ્ય ખોરકનો નાશ કરાયો હતો.