1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By વૃષિકા ભાવસાર|
Last Modified: ગુરુવાર, 30 માર્ચ 2023 (13:49 IST)

સુરતના રામ મંદિરમાં મૂર્તિની જગ્યાએ રામ નામ લખેલા પુસ્તકોની સ્થાપના,1100 કરોડના લક્ષ્ય સામે 950 કરોડ મંત્રો સ્થાપિત થયા

ram mandir surat
આજે રામનવમીનો પવિત્ર તહેવાર છે. ત્યારે સુરતમાં આવેલા એક એવા રામમંદિરની વાત કરવી છે જ્યાં ભગવાનની મૂર્તિની જગ્યાએ રામનામ લખેલા પુસ્તકોની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં 1100 કરોડ રામનામ લખેલા મંત્રોના પુસ્તકો સ્થાપિત કરવાનું લક્ષ્યાંક છે જેની સામે હાલમાં 950 કરોડ મંત્રો સ્થાપિત થઈ ચૂક્યા છે. 
 
સુરત શહેરના અડાજણ પાલ રોડ પર કેબલ બ્રિજ નજીક સ્ટાર બજાર સામે આવેલા રામજી મંદિરની નજીક જ શ્રી રામનામ મંદિરનું નિર્માણ થયુ છે. જેમા ભગવાનનો કોઈ ફોટો કે મૂર્તિ નથી પણ માત્ર મંત્ર લખેલા પુસ્તકો છે. વચ્ચે 51ફૂટ ઊંચો વિશ્વશાંતિ રામ સ્તંભ બનાવવામાં આવ્યો છે. આ મંદિર બનાવવા માટે શ્રી રામજી મંદિર સેવા ટ્રસ્ટએ વિનામૂલ્યે જમીન ફાળવી છે. શ્રી રામ મારુતિ સેવા ટ્રસ્ટ દ્વારા મંત્ર લેખનનું ભગીરથ કામ થઈ રહ્યુ છે. રામ નામ મંદિરના ટ્રસ્ટીઓ અને સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે વિશ્વશાંતિ માટે આ મંદિર બનાવવામાં આવ્યુ છે. 
 
12 ડિસેમ્બર 2017 ના રોજ 125 કરોડ રામ મંત્ર ના ટાર્ગેટ સાથે આ નામ યજ્ઞની શરૂઆત થઈ હતી. સુરત, કામરેજ, વ્યારા સુધી તેમજ સુરતથી અંકલેશ્વર સુધીના 150 થી વધુ મંદિરોમાં રામ નામ લખવાની બુક અને બોલપેન ફ્રીમાં આપી કામ શરૂ કરાયુ હતું. લોકોએ એટલો પ્રતિસાદ આપ્યો કે ટાર્ગેટ તો થોડા મહિનામાં પૂરો થઈ ગયો. બાદમાં લક્ષ્ય વધતુ ગયુ અને 1100 કરોડ સુધી પહોંચી ગયુ. આ બધી મંત્રબુક રાખવા માટે મંદિર નિર્માણનું વિચાર્યું અને વર્ષ 2021માં ગણેશ ચતુર્થીના અવસરે મંદિરનું ખાતમુહૂર્ત થયુ અને 9 ઓક્ટોબર 2022 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યુ. 
 
રામ નામ લિખિત પુસ્તકની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી અને એ પુસ્તકો મંદિરમાં મૂકવામાં આવ્યાં છે. હાલમાં આ મંદિરમાં 950 કરોડ રામનામ અંકિત બુક સ્થાપિત કરી દેવાય છે. આ તૈયાર થયેલી બુકને ચાર લેયરમાં બાંધીને મંદિરમાં રાખવામાં આવી છે જેથી ખરાબ ના થાય. દોઢ લાખ જેટલા ભક્તો દ્વારા લખાયેલી ત્રણ લાખ જેટલી બુક મંદિરમાં સ્થાપિત છે. 1100 કરોડ પછી પણ આપણે આ યજ્ઞ ચાલુ જ રાખીશું. 
 
સંચાલકોનું કહેવું છે કે, ભગવાન રામની કૃપા અને પ્રેરણાથી શરૂ થયેલું કાર્ય એમની કૃપાથી જ પૂર્ણ થવાના આરે છે. શરૂઆતના લક્ષ્યાંક માટેનો ખર્ચ ટ્રસ્ટ દ્વારા થતો પણ પછીની જરૂરિયાતમાં નાના મોટા દાતાઓ આવતા ગયા અને બુક તથા બોલપેન મળતી ગઇ.  51 ફૂટની ઊંચાઈએ રામ સ્તંભ પણ વિવિધ દાતાઓના દાનથી ઊભો થયો છે. જેની ચારેબાજુ રામ નામ લખાયેલુ છે. પંચધાતુનો આ સ્તંભ બનાવવા માટે કેરેલાના કારીગરો આવ્યા હતા. એ અગાઉ લોકો પાસેથી ધાતુ ઉઘરાવવાનું પણ કામ થયુ હતું. 'રામજી મંદિરના પૂજારી પ્રકાશ શુક્લએ કહ્યું કે 'આ પાવન ભૂમિ પર રામ નામ મંદિરનું નિર્માણ સુરતનું કલ્યાણ છે. રામ સ્તંભની પવિત્ર ઊર્જા આખા શહેરને આધ્યાત્મિક આબોહવા પૂરી પાડશે.