શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 18 ફેબ્રુઆરી 2017 (12:09 IST)

આઈવીએફનો ચમત્કાર - 54 વર્ષની વયે ભચાઉની મહિલાએ બાળકને જન્મ આપ્યો

કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં રહેતા 54 વર્ષીય મહિલાના ઘરે 30 વર્ષે પારણું બંધાયું છે. ત્રણ દાયકા બાદ મહિલાએ 10મી ફેબ્રુઆરીના દિવસે દીકરીને જન્મ આપ્યો હતો. સંતાન પ્રાપ્તિ માટે દંપતીએ ભૂત-ભુવા, ભગવાનની માનતા સહિતના તમામ પ્રકારના વિકલ્પો અજમાવી લીધા હતા. તેમ છતા સંતાન પ્રાપ્તિથી તેઓ વંચિત રહ્યા હતા. અમદાવાદની ખાનગી હોસ્પિટલના ડૉક્ટરે IVF ટેક્નોલોજીથી મહિલાને મોટી ઉંમરે સંતાન પ્રાપ્તિ શક્ય બનાવી હતી.

સામાન્ય રીતે 40થી 45 વર્ષ પછી સ્ત્રીઓનો મેનોપોઝનો સમયગાળો શરૂ થતો હોય છે, તેમાં સ્ત્રીની માતા બનવાની શક્યતા રહેતી નથી. જોકે હવે મેડિકલ સાયન્સે સ્ત્રી મેનોપોઝમાં હોય ત્યારે પણ સંતાન સુખની પ્રાપ્તિ કરી શકે તે શક્ય બનાવ્યું છે.

54 વર્ષીય સુશીલાબેન પ્રવિણભાઈ પંડ્યાના લગ્નને 30 વર્ષ થયા હતાં. તેમણે કહ્યુ કે, ‘આટલા વર્ષોથી બાળકની રાહ જોયા બાદ આ જન્મમાં ભગવાને મને માતા બનવાનું સુખ નહીં આપ્યું હોય તેમ માની લઈ કુદરત સામે હાર માની હતી. અમે સંખ્યાબંધ ડૉક્ટરો, વૈદ્ય, ભૂત-ભૂવા સહિતના તમામ વિકલ્પો અપનાવી લીધા હતા.

આંબાવાડી સ્થિત પ્લેનેટ વુમનના ડૉ. મેહુલ દામાણી અને તેમના પત્ની ડૉ. સોનલ દામાણી પાસે આશરે 12 મહિના પહેલા ભચાઉનું આ દંપતી આવ્યું હતું. ડૉક્ટર્સે સુશીલાબહેનની IVF ટ્રિટમેન્ટની શરૂઆત કરી હતી. ડૉ. મેહુલે દામાણીએ કહ્યું કે ‘સુશીલાબેન 15 વર્ષથી મેનોપોઝ પિરિયડમાં હતા. તેમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસની પણ બીમારી હતી. આ સ્થિતિમાં ગર્ભધારણ પડકારજનક હતો. મેનોપોઝ અવસ્થામાં ગર્ભાશયની કોથળી સંકોચાય છે તેમજ ગર્ભાશયની દીવાલો સુકાઈ જતી હોય છે. દવાઓના ઉપયોગથી 15 વર્ષથી માસિક આવવાની પ્રક્રિયા શરૂ કરાવી અને હોર્મોન્સ એક્ટિવ કર્યા હતા.’
માતા ગર્ભ ધારણ કરી શકે તે માટે દવાઓની મદદથી ગર્ભાશયની દીવાલને મજબૂત બનાવવામાં આવી હતી અને ત્યારબાદ સ્ત્રી અને પુરુષ બીજને લેબોરેટરીમાં ફલિત કરી સુશીલાબેનના ગર્ભમાં મૂકવામાં આવ્યું હતું. પ્રથમ પ્રયત્નમાં અમને નિષ્ફળતા મળી હતી જ્યારે બીજો પ્રયત્ન સફળ રહ્યો હતો. જોકે આઠમા મહિનામાં તેમને બ્લડ પ્રેશર અને શરીરમાં પાણીની તકલીફ થવાની શરૂ થઈ હતી. નવમા મહિનાના પહેલા અઠવાડિયામાં તેમને લેબર પેઈન શરૂ થયું હતું. તેમને તાત્કાલિક અમદાવાદ બોલાવવામાં આવ્યા હતા. અહીં તપાસ કરતા તેમનું બ્લડ પ્રેશર ઘણું ઊંચુ આવ્યું હતું. બ્લડ પ્રેશનરને નિયંત્રિત કરીને શુક્રવારે સિઝેરિયનથી બાળકીનો જન્મ થયો હતો. જન્મ સમયે બાળકીનું બે કિલો ત્રણસો ગ્રામ હતું.