ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , બુધવાર, 6 નવેમ્બર 2019 (10:00 IST)

હાઈ ટેન્શન વાયરના કરંટથી હૃદય ખુલ્લુ પડી જતાં જોધપુરના 14 વર્ષિય કિશોરને ત્રણ સર્જરીઝ બાદ મળ્યુ નવું જીવન

મેડિકલ સાયન્સમાં જેને રેર કેસની શ્રેણીમાં ગણવામાં આવે છે તેવા હાઈ ટેન્શન ઈલેક્ટ્રીક બર્ન્સને કારણે હૃદયસુધી અસર થવાના કિસ્સાઓમાં કરંટ લાગ્યા પછી દર્દીની બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે. દાઝેલી વ્યક્તિને જો સમસયસર સારવાર ન મળે તો અનેક કોમ્પલીકેશન્સ થવાની શક્યતા ખૂબ વધી જાય છે. 
 
આવી સ્થિતિમાં જોઘપુરના 14 વર્ષિય કિશોરને પોતાના ખેતરમાં કરંટ લાગતા વધુ સારવાર અર્થે અમદાવાદ રીફર કરવામાં આવ્યો. સ્ટર્લિંગ હૉસ્પિટલના બર્ન્સ યુનિટની ડૉક્ટર્સ ટીમને દર્દીના જીવનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને અત્યંત જોખમી અને જટિલ સર્જરીઝ કરવામાં સફળતા મળી છે. 
 
આ કિસ્સો 14 વર્ષના કિશોર દિનેશ પરિહારનો છે, જેઓ જોઘપુરના પ્રસિદ્ધ એવા મથાણિયા ગામના રહેવાસી છે. સ્થાનિક સ્તરે યોગ્ય સારવારનો અભાવ અને નિરાશા મળતા વધુ સમય વેડફ્યા વગર તાત્કાલિક આ કિશોરને અમદાવાદ સ્ટર્લિંગ હૉસ્પિટલના બર્ન્સ યુનિટમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેને બચાવી લેવાયો હતો. 
 
સ્ટર્લિંગ હૉસ્પિટલમાં આ કેસને ત્રણ ડૉક્ટર્સની ટીમે સફળ બનાવ્યો હતો, જેમાં ગુજરાતના વિખ્યાત બર્ન્સ, પ્લાસ્ટીક એન્ડ કોસ્મેટિક સર્જન ડૉ. વિજય ભાટીયા, જાણીતા હૃદયરોગ સર્જન ડૉ. સુકુમાર મહેતા અને અનુભવી ક્રિટિકલ કેર નિષ્ણાત ડૉ. નિરવ વિસાવડિયા સામેલ હતા. 
 
આ કેસ વિશે વાત કરતા ડૉ. વિજય ભાટીયા એ જણાવ્યું હતું કે 7 સપ્ટેમ્બર 2019ના રોજ રાત્રે નવ વાગે સ્ટર્લિંગ હૉસ્પિટલમાં આ કેસ આવ્યો હતો. ઈમરજન્સી ડિપાર્ટમેન્ટમાં જ આ કેસની પ્રાથમિક તપાસ કરતા કેસની ગંભીરતા વિશે અમને ખ્યાલ આવી ગયો હતો. આ સમયે દર્દીની સ્થિતિ થોડી નાજૂક જણાઈ હતી. 
 
દર્દીને હાથે, માથામાં ખોપડીના ભાગે, હૃદય પર, પગમાં એમ વિવિધ જ્ગ્યાએ દાઝ્યાના જખમો હતા. હિસ્ટ્રી લેતા માલૂમ પડ્યુ કે, આ 14 વર્ષિય કિશોરને પોતાના ખેતરમાં હાઈ ટેન્શન વાયરનો કરંટ લાગ્યો હતો. પહેલી વખત કંરટ લાગતા ગંભીર ઝટકો લાગ્યો અને આ કિશોર જમીન પર પડી ગયો હતો. જમીન ભેજવાળી હતી અને નીચે પડ્યો ત્યારે કરંટવાળા વાયર પર જ ચત્તાપાટ છાતીના ભાગે પડવાથી ખૂબ ગંભીર રીતે દાઝ્યો હતો.
 
સ્ટર્લિંગમાં દર્દીનો પ્રાથમિક ઉપચાર કરી બર્ન્સનો કલ્ચર રિપોર્ટ અને સી.ટી સ્કેન કરાવાયુ હતુ. 48 કલાક બાદ આવેલા કલ્ચર રિપોર્ટ અનુસાર દર્દીના છાતીના ભાગે કરંટ લાગવાથી હૃદયની ઉપર આવેલ તમામ આવરણો એટલે કે ચામડીથી લઈને સ્નાયુઓ, નસો, પાંસળીઓ અને હૃદયને રક્ષણ આપતુ ઉપલું પડ, આ તમામ બળી ગયુ હતુ. આ સિવાય હૃદય માંથી પણ કરંટ પસાર થયો હતો એટલે હૃદયને પણ નુક્સાન થયું હતુ, જોકે તે નુક્સાન સારવારથી સુધારી શકાય તેવું હતુ. આ રિપોર્ટ ડૉક્ટર્સ માટે એક પડકાર હતો, કેમકે ત્વરીત ઓપરેશન કરી હૃદયને રક્ષણ આપવું ખૂબ જ જરૂરી હતું.
 
ડૉ. ભાટીયાએ વધુમાં જણાવ્યું હતુ કે, ત્રીસ વર્ષની મેડિકલ કારર્કિદીમાં ઈલેક્ટ્રીક બર્ન્સનો આટલો ગંભીર અને જટિલ કિસ્સાનો આ પ્રથમ કેસ છે. સમગ્ર દુનિયામાં આવા કિસ્સા ખૂબ રેર ગણવામાં આવે છે. તા. 11 સપ્ટેમ્બર 2019ના રોજ દર્દી દિનેશનું પહેલું ઓપરેશન કરવામાં આવ્યુ, જેમાં હૃદય પરથી એક પછી એક બળીને નિષ્ક્રિય થઈ ગયેલ એ તમામ ભાગ કાઢી લેવામાં આવ્યા હતા. 
 
અમારા ધાર્યા પ્રમાણે એ તમામ ભાગ દૂર કરતા કરતા હૃદય સંપૂર્ણ ખુલ્લુ થઈ ગયુ હતુ, ફેફસાંનો કેટલોક ભાગ પણ ખુલ્લો પડી ગયો હતો. હાર્ટમાં પણ ડેમેજ હતુ, પરંતુ તે રિપેરેબલ હતુ.  દર્દીના જમણા પડખાની બાજુથી સ્વસ્થ ચામડી અને સ્નાયુઓનો એક ભાગ લઈ હૃદયને કવર કરવામાં આવ્યુ હતુ. 
 
ત્યાર બાદ બીજા બે ઓપરેશન્સ કરવામાં આવ્યા હતા, જેમાં દર્દીના શરીર પર થયેલા અન્ય બર્ન્સના પાર્ટ પગ અને પીઠ પર તથા હાથ અને માથાની ખોપડીના ભાગે ગ્રાફ્ટીંગ કરવામાં આવ્યુ હતુ, દર્દીના હાથ પર ત્રણ આંગળીઓમાં દાઝવાને કારણે ગેન્ગરીન થવા લાગ્યુ હતુ, એટલે તેને દૂર કરવાની સર્જરી પણ કરવામાં આવી હતી. 
 
આ સમગ્ર કેસમાં આધુનિક ટેકનોલૉજી, યોગ્ય અને સમયસર સારવારને કારણે દર્દીને કોઈ કોમ્પલિકેશન થયા ન હતાં અને અત્યંત જટિલ હોવા છતાં 7 દિવસના આઈ.સી.યુ રોકાણ બાદ દર્દીને બહાર લાવવામાં પણ સફળતા મળી હતી. દોઢ માસની હૉસ્પિટલ સારવાર બાદ દર્દીને સ્વસ્થ અવસ્થામાં રજા આપવામાં આવી હતી.