બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 9 ડિસેમ્બર 2019 (14:31 IST)

વિધાનસભા કૂચ પહેલાં અમિત ચાવડાની અટકાયત, પોલીસે ચલાવ્યો પાણીનો મારો

ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂકું સત્ર આજથી શરૂ થઇ રહ્યું છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસે પણ વિવિધ મુદ્દે સરકારને ઘેરવાની પુરતી તૈયારી કરી લીધી છે. કોંગ્રેસ દ્વારા સવારે 9 વાગે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે જ ગૃહમાં પણ રાજ્યના વિવિધ મુદ્દાઓ પર સરકારને સવાલો પુછવાની કોંગ્રેસે તૈયારી કરી લીધી છે. ગુજરાત વિધાનસભાના ટૂંકા શિયાળુસત્રના પ્રારંભે કોંગ્રેસે વિવિધ મુદ્દાઓને અનુલક્ષીને વિધાનસભા ઘેરવાનું એલાન આપ્યું છે. જોકે, સરકાર દ્વારા કોંગ્રેસની વિધાનસભા કૂચને મંજૂરી ન આપવામાં હોવાથી પાટનગરમાં 1500 પોલીસકર્મીઓ ખડકી દેવામાં આવ્યા છે.
 
કૂચ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો પર પોલીસે વોટર કેનનથી પાણીનો મારો કર્યો છે. તથા અનેક કોંગ્રેસના કાર્યકરો અને મોટા નેતાઓની અટકાયત કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની પણ અટકાયત કરવામાં આવી છે. અમિત ચાવડાએ કહ્યું હતું કે ગાંધી, સરદારનું ગુજરાત છે, અંગ્રેજોથી પણ નથી ડર્યા તેમને તમે પોલીસના નામે ડરાવશો તો ડરશે નહીં. આ સરકાર લોકોનું જીવન હરામ કરી રહી છે. જ્યાં સુધી લોકોના હક નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ હક માટે લડાઈ લડશે. ગુજરાતીઓ અંગ્રેજોથી પણ નથી ડર્યા તેમને તમે પોલીસના નામે ડરાવશો તો તેઓ ડરશે નહીં. 
 
કોંગ્રેસના વિધાનસભા ઘેરાવના કાર્યક્રમને નિષ્ફળ કરવા માટે સરકાર તમામ પ્રયત્નો અજમાવી રહી છે. મહેસાણામાં કોંગ્રેસના શહેર પ્રમુખ ભૌતિક ભટ્ટ પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી પાલિકા કોંગ્રેસના કોર્પોરેટરો ની પણ અટકાયત કરવામાં આવી છે. 10 જેટલા કાર્યકર્તાઓની મહેસાણા એલસીબી દ્વારા અટકાયત કરવામાં આવી છે. વિધાનસભાને ઘેરાવ કરવા જતા સમયે ગોઝારીયા ખાતે થી અટકાયત કરાઈ છે. મહેસાણા LCBએ અટકાયત કરી છે. 
 
કોંગ્રેસે જ્યાં રેલી યોજવાની પરવાનગી માગેલી તે ઘ-5 ખાતે મંજૂરી અપાઈ નથી, છેવટે દર વખતે સત્યાગ્રહ છાવણી ખાતે મંજૂરી અપાય છે ત્યાં એને દેખાવો યોજવાનું કહેવામાં આવ્યું છે. કોંગ્રેસને સભા કે રેલીની મંજૂરી આપવામાં આવી નહોતી, તેમ છતાં કોંગ્રેસની વિધાનસભા કૂચની જાહેરાતથી પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 1500 પોલીસ જવાનોનો કાફલો ગાંધીનગરમાં ચુસ્ત બંદોબસ્ત સાથે ખડકી દેવામાં આવ્યો છે. આ સિવાય પોલીસની સાથે જછઙની 5 કંપનીઓ પણ બંદોબસ્તમાં ઉતારાઈ છે. કોંગ્રેસ મહિલા સુરક્ષા, પરીક્ષા કૌભાંડ અંગે સરકારને ઘેરશે.
 
રવિવારે સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠકનું આયોજન કરાયું હતું. આ બેઠકમાં વિધાનસભામાં ઉગ્ર રજુઆતો કરવાનો નિર્ણય લેવાયો હતો. બિન સચિવાલય પરિક્ષામાં ગેરરીતિથી માંડીને અન્ય પરીક્ષાના ગોટાળા, નિત્યાનંદ આશ્રમ અને ડીપીએસ સ્કૂલનું કૌભાંડ, ખેડૂતોના પાક વીમાની સમસ્યા જેવા મુદ્દાઓ પર વિધાનસભા ગજવવાની કોંગ્રેસે તૈયારી કરી છે.