ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ: , સોમવાર, 3 ફેબ્રુઆરી 2020 (11:16 IST)

એકંદરે આ બજેટ પોઝીટીવ, પણ નાણાં પ્રધાન હાલની સળગતી સમસ્યાઓ હલ કરી શક્યા નથી

આજે રજૂ થયેલા કેન્દ્ર સરકારના વર્ષ 2020-21ના બજેટ અંગે પ્રતિભાવ આપતાં ફીક્કીના પ્રેસિડેન્ટ ડો. સંગીતા રેડ્ડીએ જણાવ્યું હતું કે “નાણાં પ્રધાન જે અવરોધોનો સામનો કરી રહ્યા છે તે જોતાં આ બજેટ એક ઘનિષ્ટ નિવેદન છે. સરકારે ભારતને, વ્યક્તિઓ અને ઉદ્યોગોને મજબૂત કરવા માટેના વિવિધ પગલાં લઈને પ્રશંસાપાત્ર કામગીરી કરી છે. એફઆરબીએમ એક્ટથી અળગા ચાલીને તથા ચાલુ નાણાંકિય વર્ષમાં નાણાંકિય ખાધ 3.8 ટકા રાખીને તથા આગામી વર્ષે 3.5 ટકાનો લક્ષ્યાંક મૂકીને અર્થતંત્રને ટેકો પૂરો પાડવાનો નિશ્ચય દર્શાવ્યો છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે કે જ્યારે અર્થતંત્રને નાણાંકિય ગતિ આપવાની જરૂર છે” ફીક્કીએ મહત્વના આ સૂચન દ્વારા જણાવ્યું છે કે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે લોકોના હાથમાં વધુ નાણાં આવશે અને વપરાશને વેગ મળશે તથા ઔદ્યોગિક વૃધ્ધિ થશે.

આમાંના મોટાભાગના નાણાં માળખાગત સુવિધાઓમાં અને કૃષિ ક્ષેત્રે મૂડી ખર્ચ તરીકે વપરાશે. આ બંને ક્ષેત્રો એવા છે કે જે વૃધ્ધિને મહત્તમ વેગ આપવાની ક્ષમતા ધરાવે છે. લોકોના હાથમાં વધુ નાણાં મૂકવાની હિલચાલ બે પગલાંથી જણાય છે, તેમાંનું પ્રથમ પગલું છે વ્યક્તિગત આવક વેરામાં ઘટાડો અને બીજુ પગલું, ગ્રામ્ય અને કૃષિ ક્ષેત્રને વેગ આપવાનું છે.

ફીક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના ચેર, દિપક મહેતા જણાવે છે કે “આ એક રસપ્રદ બજેટ છે. આવતીકાલ માટે મહત્વના ગણાતા નવા ક્ષેત્રો પર ફોકસ રખાયું નથી. નાશવંત ચીજો માટે કિસાન રેલની જાહેરાતથી કૃષિ ક્ષેત્રે બગાડ અટકશે અને તેનાથી ખેડૂતોને લાભ થશે. ટેક્સ પેયર ચાર્ટર રજૂ કરવું તે વહિવટને પિપલ-ફ્રેન્ડલી બનાવવા તરફનું એક મોટું કદમ છે. ડિવિડંડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ (ડીડીટી)ને કોર્પોરેટ માટે નાબૂદ કરીને વિદેશી રોકાણકારોમાં ભારતનું મૂડીરોકાણના સ્થાન તરીકે આકર્ષણ વધારવામાં આવ્યું છે. નિકાસકારો દ્વારા ચૂકવાતા આડકતરા વેરાઓ અને લેવીઝનું રિફંડ મંજૂર કરવાની જાહેરાતથી નિકાસકારોની સ્પર્ધાત્મકતા વધશે. નાણાં પ્રધાને ટેક્સ દરમાં ઘટાડો કરીને વેરાના સ્લેબને સરળ બનાવ્યા છે. એકંદરે અમને આ બજેટ પોઝીટીવ જણાય છે.”

ફીક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના કો-ચેર સુનિલ પારેખ જણાવે છે કે  “અંદાજપત્રમાં ઘણી રસપ્રદ જાહેરાતો કરવામાં આવી છે. નાણાં પ્રધાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુસરવાની દરખાસ્ત કરી છે તેનાથી ઉદ્યોગની સ્પર્ધાત્મકતામાં વધારો  થશે અને બિઝનેસ કરવાની આસાની તરફ દોરી જશે. જીલ્લા સ્તરે હોસ્પિટલો સાથે મળીને તબીબી કોલેજો સ્થાપવાની દરખાસ્તથી આરોગ્ય અને તબીબી શિક્ષણની સુવિધાઓમાં વધારો થશે. નાણા પ્રધાને શુધ્ધ હવા અંગે પણ વાત કરી છે તે આવકારદાયક છે. નાણાંકિય સ્થિતિના કારણે સરકાર ગંભીર સ્થિતિનો સામનો કરી રહી હતી ત્યારે કરવેરાના દરમાં ઘટાડો આવકારદાયક છે. એકંદરે આ સારૂં બજેટ છે, પરંતુ આપણે માની શકીએ કે નાણાં પ્રધાન માંગને વેગ આપવા માટે પગલાં લઈ શક્યા હોત.”

ફીક્કી ગુજરાત સ્ટેટ કાઉન્સિલના પૂર્વ પ્રમુખ રાજીવ વસ્તુપાલે જણાવ્યું હતું કે  “બજેટની દિશા પ્રગતિલક્ષી છે અને પોતાની પાસે ઉપલબ્ધ સાધનોની તુલનામાં અને પ્રવર્તમાન આર્થિક સ્થિતિમાં નાણાં પ્રધાને સારી કામગીરી બજાવી છે. મધ્યમ વર્ગ માટે વ્યક્તિગત આવક વેરામાં ઘટાડો એ એક ઘણું સારૂં પગલું છે, પરંતુ અમે માનીએ છીએ કે આથી વધુ લાભ આપી શકાયો હોત. કૃષિ, સ્ટાર્ટ-અપ્સ, આરોગ્ય, શિક્ષણ, ગ્રામ વિકાસ અને અન્ય ક્ષેત્રો સમતોલ વિકાસ માટેની ક્ષમતા ધરાવે છે. એલઆઈસીનું લીસ્ટીંગ કરવાની દરખાસ્ત પણ એક સારૂં કદમ છે અને  સરકાર તેની મારફતે ભંડોળ ઉભુ કરી શકશે. એકંદરે લાંબા ગાળા માટે આ સારૂ બજેટ છે.”

ડેલ્લોઈટના ફાયનાન્સર એડવાઈઝર અન પાર્ટનર સાવન ગોડિયાવાલા જણાવે છે કે  “લાંબા ગાળા માટે આ બજેટ સારૂં છે, પણ નાણાં પ્રધાન હાલની સળગતી સમસ્યાઓ હલ કરી શક્યા નથી. સરકારે નાણાંકિય ખાધ અંગેનો પોતાનો અંદાજ સુધારીને આ વર્ષ માટે 3.8 ટકા કર્યો છે અને આવતા વર્ષે તે 3.5 ટકા રહેશે તેવો અંદાજ મૂક્યો છે. અમને એ  સમજાતું નથી કે સરકાર કેવી રીતે નાણાંકિય ખાધમાં એક જ વર્ષમાં 0.3 ટકાનો ઘટાડો કરી શકશે. નાણાં પ્રધાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની સરકારની કટિબધ્ધતા બાબતે પુનરોચ્ચાર કર્યો છે. આના કારણે ખર્ચને વેગ મળશે. સ્ટાર્ટ-અપ, નિકાસકારો અને એમએસએમઈ ક્ષેત્રને ટેકો પૂરો પાડવાના વિવિધ પગલાંથી સ્પર્ધાત્મકતામાં વધારો કરવામાં સહાય થશે.”