મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 જુલાઈ 2021 (15:47 IST)

ખાંભામાં પણ 4 સિંહનાં મોતના અહેવાલ બાદ વન વિભાગ દોડતો થયો

અમરેલી જિલ્લામાં ગીર રેન્જ અને બૃહદ ગીર રેન્જ વિસ્તારમાં સિંહોનાં શંકાસ્પદ બીમારીને કારણે મોત થયાંનું સામે આવતાં વન વિભાગમાં દોડધામ મચી રહી છે. જાફરાબાદ તાલુકામાં આવેલા માઇન્સ વિસ્તારમાં 5થી 9 વર્ષની સિંહણ બીમાર જોવા મળતાં વન વિભાગ દ્વારા એનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યાર બાદ વન વિભાગે બાબરકોટમાં સારવાર અપાઇ હતી અને સારવાર દરમિયાના તેનું મોત થયું છે. વન વિભાગે પી.એમ કર્યું, પરંતુ બીમારીને કારણે મોત થયાનું સામે આવ્યુ છે.

ખાંભા-શેત્રુંજીમાં પણ છેલ્લા 15 દિવસમાં 4 સિંહનાં મોતના અહેવાલ છે. સિંહનાં મોતના અહેવાલથી વન વિભાગ દોડતો થયો છે. સિંહણનું પી.એમ કરનાર ડોકટર શેત્રુંજી ડિવિઝનના છે. તેમને પણ આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓના આદેશથી મૌન સેવ્યું છે. જ્યારે ફરી બેબસિયા નામનો વાયરસ સક્રિય થયો હોવાની વાત સામે આવતાં ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે માત્ર તપાસ કરવાની પુષ્ટિ આપી રહ્યા છે. સિંહોનાં મોત થવાનો સિલસિલો ફરી શરૂ થયો છે. ખાંભા વિસ્તારમાં પણ સિંહોનાં મોત થઇ રહ્યાં છે. સમગ્ર વિસ્તારમાં સિંહોનાં મોતથી સિંહપ્રેમીઓ અને પર્યાવરણપ્રેમીઓ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરાઇ છે. જાફરાબાદ રેન્જમાં 1 સિંહના મોત બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. ફરી સિંહોની ચકાસણી કરવા માટે સૂચના આપી દેવાઇ છે. સિંહ બીમાર છે કે કેમ એની તમામ મૂવમેન્ટ ચકાસવા માટે સૂચના આપવામાં આવી છે. કયો વાયરસ છે એ ખૂલીને બોલવા વન વિભાગના અધિકારીઓ તૈયાર નથી. સમગ્ર ઘટનાને લઈ ભારે ચિંતા જોવા મળી રહી છે. પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડોકટર દ્વારા જાફરાબાદ બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે સિંહનું સારવાર દરમિયાન મોત થયું એ સિંહનું પી.એમ કરાયું છે અને બીમારી સામે આવી છે. સમગ્ર ઘટનાથી વાકેફ હોવા છતાં તેમના દ્વારા મીડિયા સામે મૌન સેવ્યું છે, જોકે સ્વાભાવિક છે ઉચ્ચ અધિકારીઓની કડક સૂચનાને કારણે સાચી માહિતી આપી શકતા નથી ત્યારે તેમની સામે પણ સવાલો ઊઠી રહ્યા છે.