ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 14 ફેબ્રુઆરી 2020 (14:27 IST)

મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર - ખોટા પ્રમાણપત્રો રજૂ કરી સરકારી નોકરી મેળવાના કૌભાંડનો કોંગ્રેસે કર્યો પર્દાફાશ, વાંચો સમગ્ર વિગત

ગુજરાતમાં સરકારી નોકરી ભરતીમાં ખોટી માર્કશીટ અમાન્ય પદવી પ્રમાણપત્રો દ્વારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર પશુધન નિરીક્ષક વર્ગ-૩, ગ્રામ સેવકમાં ૧૦,૦૦૦ જેટલાનું ભરતી કૌભાંડનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતના નેતા ડૉ. મનિષ દોશી જણાવ્યું હતું કે, ગુજરાતમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ભરતીમાં ખોટા પ્રમાણપત્રોથી મોટા પાયે નોકરીમાં તક મેળવવા માંગતા યુવાનોના ભવિષ્ય સાથે અન્યાય થઈ રહ્યો છે. સરકાર પાસે ખોટા પ્રમાણપત્રો, ખોટી માર્કશીટો અને અમાન્ય ડીગ્રીઓની સંપૂર્ણ વિગતો હોવા છતા પગલા ભરવાને બદલે કૌભાંડીઓને બચાવવા માટે આંખ આડા કાન કરી રહી છે. ગુજરાત વડી અદાલતે આપેલા આદેશમાં જે સંસ્થાઓને અમાન્ય ઠેરવી છે તેની સામે રાજ્ય સરકાર કેમ પગલાં ભરતી નથી? રાજ્ય બહારની અનેક યુનિવર્સિટીના પ્રમાણપત્રો રૂા. ૪૦,૦૦૦ થી ૧,૦૦,૦૦૦ માં ખુલ્લેઆમ વેપાર ચાલી રહ્યો છે. 
 
આરોગ્ય વિભાગમાં જિલ્લા પંચાયતમાં વર્ષ ૨૦૧૨ થી ૨૦૧૮ સુધી ફીમેલ હેલ્થવર્કરની ૩૮૨૮ અને મલ્ટીપર્પઝ હેલ્થવર્કરો ૨૩૩૦ ખાલી જગ્યાઓ ભરવામાં આવી હતી. જેમાં મોટા પાયે બોગસ ડિગ્રી સર્ટીફીકેટના આધારે લાખો રૂપિયાનું કૌભાંડ કરીને ૩૩ જિલ્લાઓના વ્યાપક કૌભાંડ આચરવામાં આવ્યું છે. બોગસ ડિગ્રી, ખોટી માર્કશીટ સહિતના વ્યાપક પુરાવા છતાં ભાજપ સરકાર પગલા ભરતી નથી. રાજ્યનું આરોગ્ય વિભાગ સમગ્ર કૌભાંડથી વાકેફ છે અને ૩૩ જિલ્લાઓના થયેલા તપાસ અહેવાલ હોવા છતાં કૌભાંડીઓને સરકાર છાવરી રહી છે.
 
પશુધન નિરક્ષક વર્ગ-૩ ની ભરતી પ્રક્રિયામાં ખોટા પ્રમાણપત્રો અને બોગસ ડિગ્રીઓને આધારે ભાજપ સરકારે પોતાના મળતીયાઓને અનેક ભરતીઓની જેમજ ગોઠવણ કરી રહ્યા હોવાનો પુરાવા સાથે આક્ષેપ કરતા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, પેપર ફુટવા, મેરીટમાં ગેરરીતી કરવી, પરિપત્રોનું ખોટુ અર્થઘટન કરી અન્યાય કરવો જેવા અનેક ગોટાળા ભાજપ સરકારની ઓળખ છે. પરંતુ સરકારી નોકરીમાં સૌથી મોટુ કૌભાંડ ખોટી માર્કશીટ, બોગસ ડિગ્રી, ખોટા અનુભવના પ્રમાણપત્રો દ્વારા ચાલી રહ્યું છે. પશુધન નિરીક્ષક વર્ગ-૩ માં બોગસ ડિગ્રીના આધારે મોટાપાયે નિમણૂંક મેળવી લે અને સાચા મહેનત કરતા યુવાનો નોકરીથી વંચિત રહે તે પ્રકારે સરકાર કાર્યવાહી કરી રહી છે.
 
મલ્ટીપર્પઝહેલ્થ વર્કરના રાજ્ય વ્યાપી ભરતી કૌભાંડનો પર્દાફાશ કરતા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, જામનગરમાં ૧૬-૩-૨૦૧૭માં, દાહોદમાં ૧૦-૧૨-૨૦૧૮, અરવલ્લી, નર્મદા, બનાસકાંઠા, કચ્છ, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, મહીસાગરમાં બોગસ ડિગ્રીના આધારે સમગ્ર ભરતી કૌભાંડ આચરવામાં આવ્યું છે. રાજસ્થાનની બે, તામીલનાડુ, હિમાચલની એક-એક યુનિવર્સિટી યુજીસી માન્ય નથી. ગુજરાત બહારના ત્રણ રાજયની યુનિવર્સિટીએ આવા બોગસ સર્ટીફીકેટ આપેલા છે. ભાજપ સાથે સંકળાયેલા યુવા નેતા વડોદરા વિધાનગર, વલસાડ સહિત જિલ્લાઓમાં બોગસ માર્કશીટ, બોગસ ડિગ્રી સર્ટીફીકેટ અને અનુભવ પ્રમાણપત્ર, નજાતિના દાખલાનો વેપાર કરે છે. 
 
લોકરક્ષક દળની (LRD) ભરતીમાં પ્રશ્નપત્ર લીક ના સુત્રધાર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી મલ્ટીપર્પઝહેલ્થવર્કર હોવાથી ૨૦૧૨ થી ૨૦૧૭ સુધીમાં આવી અનેક ભરતીઓ મોટા પાયે કરેલ છે. LRD, MPHW, કૌભાંડ જ નહીં વિદ્યાસહાયક, નર્સીંગ, તલાટી, વર્ગ-૩, ૪ ના ક્લાર્ક, સચિવાલયના ક્લાર્ક, પશુધન નિરીક્ષક, વર્ગ-૩ની ભરતીઓમાં ખોટા સર્ટીફીકેટ, બોગસ ડિગ્રી અંગે સરકાર સમક્ષ વિસ્તૃત ફરિયાદ છતાં ભાજપ સરકારે આંખ આડા કાન કર્યા છે. ભાજપ સરકાર સાચા લોકોને ન્યાય આપવાને બદલે કૌભાંડ કરતાં લોકોને બચાવવાનું કામ કરી રહી છે.
 
MPHW માં ડિપ્લોમા કોર્સ તમિલનાડુની વિનાયક મીશન યુનિવર્સિટી અને રાજસ્થાનની ઓપીજે યુનિવર્સિટી સહિત આવી ૬ સંસ્થાઓ બોગસ ડિગ્રીઓનો ધમધોકાર વેપાર કરે છે અને સરકાર સંપૂર્ણ માહિતી હોવા છતાં લાખો રૂપિયાના કૌભાંડ કરીને સરકાર જવાબદારીમાંથી છટકી રહી છે. નામદાર વડી અદાલતનો ૨૦૧૫-૧૬ જાહેર હિતની અરજીમાં ચૂકાદો આપ્યો છતાં સરકાર ચાર વર્ષ સુધી આ દિશામાં નક્કર કામગીરી કરતી નથી. આરોગ્ય વિભાગના તા. ૩૦.૦૭.૨૦૧૯, ૧૭.૧૨.૨૦૧૯ અને વિજીલન્સ વિભાગ તા. ૨૮.૦૬.૨૦૧૯ ના પત્ર દ્વારા સ્પષ્ટપણે ગેરરીતી-કૌભાંડ અંગે વિકાસ કમિશ્નરને લેખિતમાં પત્ર વ્યવહાર છતાં જિલ્લા વિકાસ અધિકારી અને કલેક્ટર દ્વારા કોઈ પગલાં ભરાયા નથી