રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 નવેમ્બર 2019 (13:06 IST)

ગુજરાતના દરિયા કાંઠે 'મહા' મુસીબત, દીવમાં 6 કલાકમાં 10 ઇંચ વરસાદ

અરબ સાગરમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થતાં તેની અસર ગુજરાતમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં અનેક પંથકોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે અને દરિયો તોફાની બન્યો છે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળશે. દીવમાં મોડીરાતથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે.

માહિતી પ્રમાણે છેલ્લા 6 કલાકમાં દીવમાં ધોધમાર 10 ઇંચ વરસાદ ખાબક્યો છે. ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. અમરેલી જિલ્લાના રાજુલા સહિત જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી છે. એક બાજુ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, તો બીજી તરફ ઉના, સરોવડા, કડીયાળી, બલાણામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ નવાબંદર સહિત રાજપરાના દરિયાકાંઠે રહેતા માછીમારોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ તેમને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે. કડીયાળી ગામમાં નવરંગના માંડવા વખતે ભારે પવન ફૂંકાતા અફરાતફરી મચી હતી. દરિયાકિનારાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે.

ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે. ગીર સોમનાથમાં મહા વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. ગીર સોમનાથનાં ઉના અને કોડીનારમાં ભારે વરસાદ પડ્યો છે. કોડીનારમાં 30 મિનિટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે. 'મહા' વાવાઝોડાને લઇને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, વાવઝોડાના પગલે વહીવટી તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે અને રાજકોટ જિલ્લાના તમામ મામલતદાર, તલાટી મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર એલર્ટ કરવામાં આવ્યા છે. અને 10 તારીખ સુધી કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવશે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના બનાવને ધ્યાનમાં રાખી લોકોને અને અધિકારીઓએ એલર્ટ કરાયા છે.