સોમવાર, 27 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 28 ફેબ્રુઆરી 2020 (18:16 IST)

આ આક્ષેપ બાદ સરકારે કર્યો ખુલાસો: ગુજરાતની એક પણ સરકારી શાળા પીવાના પાણી અને શૌચાલય સુવિધાથી વંચિત નથી

ગુજરાતની એક પણ સરકારી શાળા પીવાના પાણી અને શૌચાલય  સુવિધાથી વંચિત નથી, દાંતા-અમીરગઢની શાળામાં શૌચાલય ન હોવાના થયા હતા આક્ષેપ
 
પીવાના પાણી અને શૌચાલયથી વંચિત શાળાઓ અંગે વિધાનસભા ગૃહમાં પુછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર આપતા શિક્ષણ વિભાગના રાજ્ય મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતુ કે એક પણ શાળા પીવાના પાણી અને શૌચાલયની સુવિધાથી વંચિત નથી. કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા પર્ફોમન્સ ગ્રેડીંગ ઇન્ડેક્ષ મુજબ ગુજરાત રાજ્યને પીવાના પાણી અને શૌચાલય સુવિધા માટે ૧૦ માંથી ૧૦ ગુણ મળ્યા છે જે બાબત ગુજરાત રાજ્યનું બેસ્ટ પર્ફોમન્સ દર્શાવે છે. 
દાંતા અને અમીરગઢ તાલુકાની પીવાના પાણી અને શૌચાલય સુવિધાથી વંચિત સરકારી પ્રાથમિક શાળાઓ સંદર્ભે ઉત્તર આપતા શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહે ઉમેર્યુ હતુ કે, ૩૧ ડિસેમ્બર-૨૦૧૯ની સ્થિતિએ એક પણ સરકારી પ્રાથમિક શાળા ઉપરોક્ત સુવિધાઓથી વંચિત નથી. ગૃહમાં આ પ્રશ્ન ઉપસ્થિત કરનાર ધારાસભ્યશ્રીએ દાંતા-અમીરગઢની પ્રાથમિક શાળામાં શૌચાલયની સુવિધા જ ન હોવાના કરેલા આક્ષેપના પ્રત્યુત્તર આપતા પ્રદિપસિંહ ચુડાસમાએ ઉમેર્યુ હતુ કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની પારદર્શક સરકારમાં અમને સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યુ છે કે આવી ફરિયાદના કિસ્સામાં સંબંધિત ધારાસભ્ય કાર્યકરને સાથે લઇને રૂબરૂ સ્થળ તપાસ કરી ત્વરીત કાર્યવાહી કરવી જે અનુસંધાને પ્રશ્ન ઉઠાવનાર ધારાસભ્યને સાથે લઇ જઇને તે શાળાની સ્થળ તપાસ કરવા શિક્ષણમંત્રીએ તૈયારી દર્શાવી હતી.