શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (18:25 IST)

અમદાવાદની મેટ્રોનું વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન કરે તે પહેલા ચોરોએ કળા કરી

વડાપ્રધાન મોદી મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરવા અમદાવાદમાં આવી રહ્યા છે તે મેટ્રોની બે કોપર પાવર પ્લેટ ચોરી થઈ જતા તંત્ર અને પોલીસનું નાક કપાયું છે. સુરક્ષિત મેટ્રોના તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે. જ્યારે મેટ્રો તંત્ર ખુદ પોતાની જ વસ્તુઓનું ધ્યાન રાખી શકતું નથી ત્યારે ભવિષ્યમાં તેમાં પ્રવાસ કરતા પ્રવાસીઓ તો રામ ભરોસે હોવાનું જ માની લેવું પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. ચોરીના બનાવોનો અને કિસ્સા તો ઘણા સાંભળ્યા હશે. જેમાં ઘરથી લઇને ટ્રેનમાં પણ ચોરી થયાનું સાંભળ્યું હશે, પરંતુ અહીં બધા અમદાવાદીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે, તેવી મેટ્રો ટ્રેન શરૂ થતા પહેલા જ મેટ્રો રેલ સ્ટેશનમાંથી પાવર સપ્લાય માટે ઉપયોગમાં લેવાતી 6-6 કિલોની બે તાંબાની પ્લેટોની ચોરી થઇ ગઇ છે. ચોરી થયેલી પ્રત્યેક પ્લેટની કિંમત રુ.12000 જેટલી છે જે અપેરલ પાર્ક અને વસ્ત્રાલ ગામ વચ્ચેના રુટ પરથી ચોરી કરવામાં આવી છે.આ ઘટનાની જાણ થતા મેટ્રોના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા, અને તેમણે પોલીસને જાણ કરી હતી. મેટ્રોના અધિકારીઓએ ચોરીના બનાવના પગલે અજાણ્યા શખ્સો વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે. આ અંગે અમરાઇવાડીના પીઆઈ જે.એસ. નાયકે કહ્યું કે, ‘પ્રત્યેક પ્લેટ 15 કિલોની હતી અને તેને બોલ્ટ વડે ફિક્સ કરવામાં આવી હતી. આ પ્લેટને બોલ્ડ ખોલીને લઈ જવી સહેલી નથી. જોકે આ વિસ્તારમાં અમને કોઈ CCTV ફૂટેજ મળ્યા નથી. પરંતુ અમે અમારા સૂત્રોને ગતિમાન કર્યા છે. જેથી ચોરી અંગે જાણકારી મળે અને ચોરને પકડી શકાય.