શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 25 જૂન 2020 (14:18 IST)

મોબાઇલ પશુ દવાખાનાના લોકાર્પણમાં ભાજપના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા

ગુજરાતના સરકારે રાજ્યના ગ્રામીણ વિસ્તારના પશુપાલકોને ઘરે બેઠા પશુ સારવાર મળી રહે તે માટે મોબાઇલ પશુ દવાખાનાની સુવિધા ગાંધીનગરથી ઉપલબ્ધ કરાવી છે. વર્ષ 2020-21થી 10 ગામ દીઠ એક મોબાઇલ પશુ દવાખાનાની યોજનાનું અમલીકરણ થનાર છે. સમગ્ર રાજ્યમાં કુલ 108 પૈકી રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ અને ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે એક મોબાઇલ પશુ દવાખાનાની ફાળવણી કરવામાં આવી છે. જેનો આજે રાજકોટમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. પરંતુ ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, રાજ્યકક્ષાના પૂર્વ મંત્રી અને ભાદપના ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના નેતાઓ સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા. સરકાર સોશિયલ ડિસ્ટન્સ જાળવવા લોકોને અપીલ કરી છે. ત્યારે ભાજપના જ નેતાઓ લોકાર્પણ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડી રહ્યા છે. લોકાર્પણ કાર્યક્રમમાં ગોવિંદ પટેલે જણાવ્યું હતું કે, ગૌચરની જમીનો ગ્રામ પંચાયત ફાળવે છે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને જયેશ રાદડિયા ગેરહાજર રહ્યા હતા. પહેલા આ બે મંત્રીઓના હસ્તે લોકાર્પણ થવાનું હતું.  થોડા દિવસ પહેલા જ આજી નદી પરના બ્રિજનું લોકાર્પણ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા તેઓની વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. આવી જ રીતે કોંગ્રેસના કોર્પોરેટર વિજય વાંક સામે પણ સોશિયલ ડિસ્ટન્સના ભંગ બદલ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો હતો. પરંતુ સરકારના નેતાઓ જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાડે ત્યારે પોલીસ તેઓની સામે કાર્યવાહી કરે છે નહીં તે આવનારો સમય જ બતાવશે.