મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જાન્યુઆરી 2021 (10:51 IST)

અમદાવાદ શહેરમાં 24 કલાકમાં મોબાઇલ ફોનની લૂંટની ત્રણ ઘટના

શહેરમાં છેલ્લા 24 કલાકમાં મોબાઇલ ફોન લૂંટની ત્રણ ઘટના બની હતી, જેમાંથી એક ઘટના તો ઝોન -3 ડીસીપી ઓફિસની બહાર જ બની હતી. તેમ છતાં હજુ સુધી પોલીસ એક પણ ઘટનામાં એક પણ આરોપીને પકડી શકી નથી. ચાંદખેડામાં આવેલી સૌંદર્ય રેસિડેન્સીમાં રહેતા પ્રેમાન્સુ પ્રમોદભાઈ સિંહા(39) કર્ણાટકની એક કંપનીમાં રિજનલ મેનેજર તરીકે ફરજ બજાવે છે. 10 જાન્યુઆરીએ પ્રેમાન્સુ તેમના મિત્ર રજત ગોયેન્કા સાથે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરવા ગયા હતા. ત્યાંથી કાલુપુરની એક હોટેલમાં જમીને તેઓ ડીસીપી ઝોન- 3 ની કચેરી સામે ઊભા રહીને ટેક્સીની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે એક બાઈક ઉપર આવેલા 3 લુટારુ તેમના હાથમાંથી રૂ.15 હજારની કિંમતનો મોબાઈલ ફોન લૂંટીને ભાગી ગયા હતા. આ અંગે પ્રેમાન્સુએ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઉપરાંત નારોલમાં શાલિન હાઈટ્સમાં રહેતાં માયાબહેન પટેલ 8 જાન્યુઆરીએ રાતે 9 વાગ્યે નારોલ ડિવાઈન લાઈફ ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઈક ઉપર આવેલા 2 લુટારુ માયાબહેનના હાથમાંથી 9 હજારની કિંમતનો મોબાઈલ ફોન લૂંટીને ભાગી ગયા હતા. આ અંગે માયાબેહને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અન્ય એક ઘટના અમરાઈવાડીમાં બની હતી. મથુર માસ્તરની ચાલીમાં રહેતા ભરતકુમાર અમથાભાઈ પરમાર (ઉં. 31) 10 જાન્યુઆરીએ રાતના 7.45 વાગ્યે રખિયાલ લાલ મિલ ચાર રસ્તા પાસેથી બાઈક લઈને પસાર થઇ રહ્યા હતા. ત્યારે બાઈક ઉપર આવેલા 2 લૂંટારુએ તેમના બાઈરને ઓવરટેક કરી ભરતકુમારના હાથમાંથી રૂ.5 હજારની કિંમતનો મોબાઈલ ફોન લૂંટીને ભાગી ગયા હતા. આ અંગે ભરતભાઇએ રખિયાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.