બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑગસ્ટ 2019 (14:37 IST)

નર્મદા ડેમનું પાણી 131 મીટરની સપાટીને પાર, અડધી રાત્રે ડેમના 26 દરવાજા ખોલાયા

નર્મદા: ડેમની સપાટી વધાર્યા બાદ પહેલી વખત દરવાજા ખોલવામાં આવતા જ નર્મદા ડેમ વધુ એક ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યો હતો. પાણીની સપાટી 131 મીટરને પાર થતા જ નર્મદા ડેમના કુલ 26 દરવાજા 1 મીટરથી વધુ ખોલવામાં આવ્યા છે. તો આ સાથે જ RBPH NA 200 મેગાવોટના 6 ટર્બાઇન ચાલુ કરવામાં આવ્યા છે. જ્યારે CHPHના 50 મેગાવોટના 5 ટર્બાઇન ચાલુ કરી વીજ ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું છે.

પાણીની સપાટી વધતા મોડી રાત્રે 1 વાગ્યાની આસપાસ નર્મદા ડેમનાં 10 દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેમાં 14 નંબરનો ગેટ સૌપ્રથમ ખોલવામાં આવ્યો હતો. આ 10 દરવાજા 0.92 સે.મી. સુધી ખોલવામાં આવ્યા છે. પાણીની સપાટી 131 મીટર વટાવતા જ આખરે દરવાજા ખોલાયા હતા. હાલ ડેમની સપાટી 131.20 મીટર છે. જેમાં પાણીની આવક 180788 ક્યુસેક અને જાવક 89582 કયુસેક છે.

ત્યારે નર્મદા ડેમના દરવાજા ખુલતા જ આ ઐતિહાસિ નજારો નિહાળવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વહેલી સવારે સરદાર સરોવર ડેમ પહોંચી ગયા હતા. મુખ્યમંત્રીએ આ નજારો નિહાળતા કહ્યું કે, નરેન્દ્રભાઈનું સપનુ પૂરુ થયું છે. આગામી એક માસ સુધી આ પાણી બહુ જ ઉપયોગી બની રહેશે. તો બીજી તરફ નર્મદાના પાણીની આવક થતા શાસ્ત્રોક્ત વિધિથી નર્મદાના જળના વધામણાં કર્યા હતા.

નર્મદા ડેમના દરવાજા ખોલતા જ રાજ્યના ત્રણ જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાનો સમાવેશ થયા છે. ત્યારે આ ત્રણેય જિલ્લાના નદીકાંઠા વિસ્તારમાં લોકોના આવન જાવન પર રોક લગાવવામાં આવી છે. નર્મદા કન્ટ્રોલ ઓથોરિટિએ સરદાર સરોવર ડેમને 131 મીટર સુધી ભરવાની પરવાનગી આપી છે.

ભરૂચ જિલ્લાના 20 ગામો પરિસ્થિતિને કારણે એલર્ટ કરાયા છે. સવારેથી ડિઝાસ્ટરની ટીમ મોનીટરીંગ શરૂ કરી દીધુ છે. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડ્યા ઘટના બાદ તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. નર્મદા, છોટાઉદેપુર, વડોદરા અને ભરૂચમા એનડીઆરએફની ટીમો રવાના કરાઇ છે. નિચાણવાળા વિસ્તારોમાં ગામોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ છે તેમજ સાથે સ્થળાંતર કરવાની પણ તૈયારીઓ છે.

નર્મદા ડેમમાંથી પાણી છોડવાના પગેલ વડોદરા જિલ્લાના ડભોઇ, કરજણ અને શિનોર તાલુકાના 24 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેને પગલે વડોદરા જિલ્લા તંત્રએ આદેશ આપ્યા છે. નર્મદામાંથી પાણી છોડવામાં આવતા નદી કાંઠા વિસ્તારના ગામો ભયનો માહોલ સર્જાયો છે. તો બીજી તરફ ગામના તલાટી અને અધિકારીઓને પણ સતર્ક રહેવા સુચના આપવામાં આવી છે.