ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 2 ડિસેમ્બર 2021 (09:58 IST)

ભારે પવન સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ, એનડીઆરએફ ટીમો રવાના

ભારતના હવામાન વિભાગે જવાદ વાવાઝોડાને લઇને એલર્ટ જાહેર કરી દીધું છે. તેના લીધે ઉત્તર ભારતના હવામાનમાં ફેરફાર થશે. જેને લીધે ગુજરાત, ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર અને અને ઉત્તરી કોંકણમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં અવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં છુટોછવયો વરસાદ પડી રહ્યો છે. ગત મોડી રાત્રે ભારે પવન સાથે ઝરમર વરસાદ ખાબક્યો હતો. 
 
જોકે છેલ્લા 24 કલાકમાં વરસાદના આંકડાની વાત કરીએ તો રાજ્યના 129 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં  સૌથી વધુ સુરતના ઉમેરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ નોધાયો છે. તો આ તરફ ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ ખાબક્યો છે.
 
હવામાન વિભાગ દ્વારા 1 અને 2 ડિસેમ્બર માવઠાની આગાહી કરાઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવવાના છે. જેથી 2 ડિસેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન વધુ ગગડી શકે છે. 1 અને 2 ડિસેમ્બર ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યા પર મુકવા હવામાન વિભાગે સૂચન આપી છે. 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા માછીમારોને સુચના અપાઈ છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે.  આ ઉપરાત દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 
માવઠા અને ભારે વરસાદની આગાહીને અનુલક્ષીને વડોદરા ( જરોદ) સ્થિતિ એન. ડી. આર. એફ. બટાલિયન 6 સતર્ક બની છે. રાજ્યના રાહત કમિશનરની માંગણીને ધ્યાનમાં લઈને બટાલિયન દ્વારા એક સાધન સજ્જ ટીમને વલસાડ અને અન્ય એક ટીમને અમરેલી રવાના કરવામાં આવી છે.બટાલિયનના નાયબ સેનાપતિ અનુપમના જણાવ્યા પ્રમાણે આ ટીમ બચાવના સાધનો ઉપરાંત કોવિડ સંબંધિત તકેદારીના પાલન માટે પી.પી.ઇ.કીટ અને જરૂરી સામગ્રી સાથે રવાના થઈ છે.
 
મોસમ વિભાગે માહિતી આપતા જણાવ્યું કે, થાઈલેન્ડ અને તેના આસપાસના વિસ્તારોમાં બુધવારે સવારે દબાણનું વાતાવરણ બનશે. આ દબાણ ક્ષેત્ર આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી પહોંચવાની શક્યતા છે. તેના બાદ તે પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ તરફ વધતા 2 ડિસેમ્બરના રોજ દક્ષિણ-પૂર્વ તથા નજીકના ખાડીના મધ્ય ભાગમાં પહોંચી શકે છે. તેના બાદ 4 ડિસેમ્બર, શનિવારની સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ-ઓરિસ્સાના દરિયાકાંઠે ટકરાવાની શક્યતા છે. આ દબાણને કારણે ઓરિસ્સાના દરિયા કાંઠે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.