મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 13 માર્ચ 2021 (14:28 IST)

અમદાવાદમાં આજથી નહેરૂબ્રિજ બંધ, સમારકામ ચાલતુ હોવાથી 27 એપ્રિલ સુધી વાહનચાલકો માટે સંપૂર્ણ બંધ રહેશે

અમદાવાદ શહેરની સાબરમતી નદી પર આવેલા સાત બ્રિજમાંથી એક બ્રિજ ઈવા નેહરુબ્રિજને આજે 13 માર્ચથી 45 દિવસ સુધી એટલે કે 27 એપ્રિલ સુધી બંધ રાખવામાં આવશે.  મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર નોટિસ આપી જણાવ્યું છે કે નેહરુબ્રિજના એક્સપાનશન જોઈન્ટ બદલવા અને બેરીગ સર્વિસ કરવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે જેના કારણે આ બ્રિજ વાહનચાલકોની અવરજવર માટે બંધ રાખવામાં આવશે. વાહન ચાલકોએ લાલદરવાજા તરફ જવા માટે બીજા રુટ તરીકે એલિસબ્રિજ પરથી વિક્ટોરિયા ગાર્ડન થઈને 
જવું પડશે. જ્યારે લાલાદરવાજા તરફથી આવવા પણ એલિસબ્રિજ થઈ આશ્રમ રોડ તરફ જ જઈ શકાશે.
બ્રિજના ઉપરના ભાગમાં મોટી તિરાડ પડી 
 
સાબરમતી નદી પર વર્ષો પહેલા બનેલા પાંચથી વધુ બ્રિજના ઉપરના ભાગમાં મોટી તિરાડ પડી છે. આ તિરાડ વાહનચાલકો માટે ભયજનક બની શકે છે. જેના કારણે બ્રિજ પરથી વાહન ચલાવવું ખાસ કરી ટુ વ્હીલર ચાલકો માટે ભારે જોખમી બન્યું છે. જેને લઈ કોર્પોરેશન દ્વારા તમામ બ્રિજનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરાઇ છે. ગત વર્ષે સુભાષબ્રિજના  સમારકામ બાદ આજથી નેહરુબ્રિજના સમારકામની કામગીરી શરૂ કરવામા આવી છે. જેના માટે વાહનચાલકો માટે બ્રિજ 45 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ 
કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા જાહેર નોટિસ બહાર પાડી જણાવ્યું છે કે એક્સપાનશન જોઈન્ટ બદલવા અને સ્પાઇનને હાઇડ્રોલીક ક્રેનની મદદથી લિફ્ટ કરી બેરીગ સર્વિસ 
કરવાની સ્પેશિયલ પ્રકારની કામગીરી કરવામાં આવશે જેથી 13 માર્ચથી 27 એપ્રિલ સુધી બ્રિજ બંધ રહેશે.
1962માં બ્રિજ બનાવવામાં આવ્યો હતો
 
સાબમરતી નદી ઉપર વર્ષ 1962માં નહેરુબ્રિજ બનાવવામાં આવ્યો હતો. બ્રિજ ઉપર કેટલીક જગ્યાએ તિરાડ પડી છે. તેમજ બ્રિજ ઉપરની તીરાડોથી પિલરના બેરિંગ પણ ત્રાંસાં થઈ ગયાં હોવાનું જાણવા મળે છે. જેથી તેનું રિપેરીંગ જરૂરી હોવાથી ભોપાલની એક કંપનીને રિપેરીંગ માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જૂનાં બેરિંગ કાઢીને નવાં લગાડાશે તેમજ ૧૨ જેટલા નહેરુબ્રિજ ઉપરના જોઇન્ટ એક્સ્પાન્શનનું રિપેરિંગ પણ હાથ ધરાશે. અગાઉ સુભાષબ્રિજનું રિપેરીંગ કામ કરવામાં આવ્યું હતું. સુભાષબ્રિજ કરતા નહેરુબ્રિજનું કામ પડકારજનક 
હોવાનું મનપાના અધિકારીઓ માની રહ્યાં છે. નહેરુબ્રિજના રિપેરિંગ બાદ ઈજનેર વિભાગ દ્વારા ગાંધીબ્રિજને રિપેર કરાશે.