શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 16 જુલાઈ 2019 (18:22 IST)

શિક્ષણ માફિયાઓને બખ્ખાઃ બે વર્ષમાં 1287 ખાનગી શાળા અને માત્ર એક જ સરકારી કોલેજને મંજૂરી

વિધાનસભામાં મંગળવારે શિક્ષણનો મુદ્દો ઉછળ્યો હતો. રાજ્યમાં સતત કથળી રહેલા શિક્ષણ મુદ્દે ચર્ચાઓ અને સવાલ જવાબ થયા. વિપક્ષ દ્વારા સરકાર પાસે છેલ્લા કેટલાક વર્ષમાં કેટલી ખાનગી અને કેટલી સરકારી કોલેજોને મંજૂરી આપવામાં આવી તે અંગે પ્રશ્ન પુછવામાં આવ્યો હતો. જેના જવાબમાં શિક્ષણ મંત્રી દ્વારા જવાબ રજૂ કરવામાં આવ્યો હતો. વિપક્ષે પૂછેલા સવાલના જવાબમાં શિક્ષણ મંત્રીએ જે આંકડા રજૂ કર્યા તેને સાંભળીને તમામ ધારાસભ્યો સ્તબ્ધ થઇ ગયા હતા. રાજ્ય સરકાર પર શિક્ષને ખાનગીકરણ કરવાના તો વર્ષોથી આરોપ લાગી રહ્યાં છે, પરંતુ મંગળવારે શિક્ષણમંત્રીએ આંકડા જાહેર કરી આડકતરી રીતે સાબિતી પણ આપી દીધી. શિક્ષણ મંત્રીએ જણાવેલા આંકડા પ્રમાણે રાજ્યમાં આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની સરકારી 100, 309 ગ્રાન્ટેડ અને 455 ખાનગી કોલેજો છે. તે પૈકી છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં માત્ર 1 સરકારી કોલેજને મંજુરી આપવામાં આવી છે, તેની સામે 40 ખાનગી કોલેજોને મંજુરી આપવામાં આવી છે, જ્યારે એકપણ ગ્રાન્ટેડ કોલેજને મંજુરી આપવામાં આવી નથી. સરકારી કોલેજોને મંજુરી આપવામાં આવી તેની સરખામણીએ ખાનગી કોલેજોને આપવામાં આવેલી મંજુરી ચાલીશગણી થાય છે. તો સૌથી વધુ ખાનગી કોલેજો ભાવનગર જિલ્લામાં 45 અને રાજકોટ જિલ્લામાં 43 કોલેજો આવેલી છે. ખાનગી કોલેજોના સંચાલકો લાખો રૂપિયાની ફી ઉઘરાવી ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ-વાલીઓ પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે.કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા સવાલના જવાબમાં સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલો અહેવાલ રાજ્યના શિક્ષણ જગત માટે ચિંતા સમાન બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં દર 1 સરકારી- ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાની સામે સરેરાશ 10 પ્રાઇવેટ શાળાને મંજૂરી અપાઈ છે. રાજ્યમાં શિક્ષણ માફિયાઓને બખ્ખા બોલી ગયા છે જ્યારે ગરીબ બાળકો માટે શિક્ષણ મુશ્કેલ બનતું જાય છે. વિધાનસભામાં પ્રસ્તુત થયેલા આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 122 સરકારી, 13 ગ્રાન્ટેડ શાળાને મંજૂરી અપાઈ જયારે 1287 શાળાને મંજૂરી અપાઈ. રાજ્યમાં હાલમાં કુલ 32, 574 સરકારી, 605 ગ્રાન્ટેડ, અને 10,940 ખાનગી શાળાઓ છે. આ આંકડાઓ એટલા માટે ચોંકવનારા છે કારણ કે છેલ્લા બે વર્ષ દરમિયાન અનેક જિલ્લાઓને એક પણ સરકારી પ્રાથમિક શાળાની મંજૂરી અપાઈ જ નથી.છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્યમાં કુલ 1287 પ્રાઇવેટ પ્રાથમિક શઆળાને મંજૂરી મળી છે. રાજ્યના 33 જિલ્લામાંથી 13 જિલ્લાને આ સમય દરમિયાન એક પણ સરકારી શાળા મળી નથી જ્યારે 31 જિલ્લાને એક પણ ગ્રાન્ટેડ શાળાની મંજૂરી મળી નથી. જેની સામે દરકે જિલ્લામાં પ્રાઇવેટ શાળાની મંજૂરી અપાઈ છે.આ અહેવાલ મુજબ રાજ્યમાં સૌથી વધુ ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી અમદાવાદ અને સૂરતને આપવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં બે વર્ષ દરમિયાન 211 પ્રાથમિક શાળાઓની મંજૂરી મળી છે જ્યારે સુરતને 140 ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી મળી છે. રાજકોટ જિલ્લામાં સૌથી 129 ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી મળી છે. વડોદરા જિલ્લામાં 63 ખાનગી પ્રાથમિક શાળાની મંજૂરી મળી છે. આમ સરકાર શિક્ષણના ખાનગીકરણ તરફ દોટ મૂકી રહી હોય તેવું જણાઈ રહ્યં છે.