શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 માર્ચ 2017 (13:20 IST)

રૂપાણીએ યોજેલા ભોજન સમારંભમાં, વડાપ્રધાને તમામ મંત્રી-ધારાસભ્યો ભાજપના હોદ્દેદારોનો ક્લાસ લીધો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બે દિવસની મુલાકાતનાં પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી સહિતનાં તમામ નેતાઓ આગેવાનોનો કલાસ લઈ લીધો હતો. મુખ્યમંત્રી વિજય રૃપાણીએ CM બંગલો ખાતે PM માટે ખાસ રીતે રાત્રીના સમયે ભોજન સમારંભનું આયોજન કર્યું હતું. જેમાં મોદીએ તમામ લોકોને એકબીજા પ્રત્યેના આંતરિક મતભેદો ભૂલી જવાની સલાહ આપી હતી. તેમજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા કહ્યું હતું.

ગાંધીનગરમાં CM બંગલે યોજાયેલા ભોજન સમારંભમાં ભાજપનાં તમામ મંત્રીઓ સંસદ સભ્યો અને ધારાસભ્યોને આમંત્રણ અપાયું હતું. રાત્રીના ૯ વાગ્યે PM મોદી રાજભવનથી CM બંગલે પહોંચી ગયા હતા. જો કે મોટા ભાગનાં મંત્રી-સાંસદો અને પક્ષનાં હોદ્દેદારો- અગ્રણીઓ તો સાંજે ૭ વાગ્યા પછી આવી ગયા હતા. વડાપ્રધાને બધા સાથે હળવાશથી ખબર- અંતર પૂછી હસતા હસતા સામાન્ય વાતચીત કરી હતી. સૂત્રો જણાવે છે કે ત્યાર બાદ PM મોદીએ ગંભીર બની ઉપસ્થિત તમામ આગેવાનોને આપસી મતભેદો તાત્કાલિક નિવારવા જણાવ્યું હતું. તાજેતરાં જ યુપી સહિતનાં રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીઓ અંગે અને ૧૧મીએ જાહેર થનારા પરિણામો શું હોઈ શકે તેની વાસ્તવિકતાનો ચિતાર આપ્યો હતો.
ખાસ કરીને ગુજરાત સરકાર અને પ્રદેશ સંગઠન વચ્ચે તાલમેલ જાળવીને સાથે મળી કામ કરવાની શીખ પણ આપી હતી. આ વર્ષનાં અંતે યોજાનારી વિધાનસભાની ચૂંટણી જીતવા શું કરવું જોઈએ તેની ટીપ્સ પણ આપી હતી. સરકાર -સંગઠન દ્વારા કયાં કચાસ રહી જાય છે તેની ખામીઓ પણ જણાવી હતી. ભાજપથી નારાજ પાટીદારોને રીઝવવા કેશુભાઈ તથા આનંદીબહેન પટેલનાં વખાણ કર્યા હતા. આગામી સમયમાં વડાપ્રધાન મોદીનં ગુજરાતનાં અનેક કાર્યક્રમો ગોઠવાય તેવું આયોજન કરાયું છે. રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં PM ના કાર્યક્રમો તૈયાર કરવાની સૂચના અપાઇ ગઇ છે.