શનિવાર, 16 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 27 માર્ચ 2017 (16:00 IST)

વડોદરામાં 65 મુસાફરો ભરેલી લક્ઝરી બસનું ટાયર ફાટતાં બ્રિજની રેલિંગ પર લટકી, 3ને ઈજા

મુંબઇ જતી લકઝરી બસ વડોદરા શહેર નજીક જાંબુવા બ્રિજ પર ટાયર ફાટતાં બ્રિજની રેલિંગ ઉપર લટકી ગઈ ગઇ હતી. 65 મુસાફરો ભરેલી લકઝરી બસ  બ્રિજના બે ભાગની વચ્ચે જ રેલિંગ ઉપર લટકી જતાં મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. અકસ્માતને પગલે મુસાફરોએ ચચીસાચીસ કરી મુકતાં આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા.  આ ઘટનામાં ક્લિનર સહિત ત્રણ મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. 

લકઝરી બસનું ટાયર ફાટતા જ બ્રિજની રેલીંગમાં ધડાકાભેર ભટકાઇને લટકી ગઇ હતી. મોડી રાત્રે લગભગ 11-30 વાગ્યાના સુમારે આ ઘટના બની હતી.  લકઝરી બસને અકસ્માત નડતાં જ મુસાફરોએ ચચીસાચીસ કરી મૂકી હતી. અકસ્માતને પગલે મુંબઇથી અમદાવાદ તરફ અને અમદાવાદથી મુંબઇ તરફ જતાં નાના-મોટા વાહનોની લાંબી કતારો શરૂ થઇ ગઇ હતી. બીજી બાજુ આ બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરત જ લાશ્કરો ઘટના સ્થળે દોડી ગયા હતા. રેલિંગ ઉપર લટકી ગયેલી લકઝરી બસમાં ફસાઇ ગયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા. આ ઘટના બનતા 108 એમ્બ્યુલન્સો પણ સ્થળ પર આવી પહોંચી હતી. ઘટનામાં ઇજા પામેલા લોકોને વડોદરા સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા.   પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.