સુરતમાં અધિકારીની હકાલપટ્ટી બાદ કોંગ્રેસની ઉજવણી. ગંગાજળ છાંટીને કચેરી શુદ્ધ કરી
સુરતમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડોની હારમાળામાં ગળાડૂબ થયેલા શિક્ષણ સમિતિના શાસનાધિકારીને ભાજપ શાસકોએ ઘરે બેસાડી દીધા છે. આ નિર્ણયને આવકારવા આજે શહેર કોંગ્રેસે શિક્ષણ સમિતિની કચેરી બહાર ફટાકડા ફોડી, મીઠાઈ વહેંચીને ઉજવણી કરી હતી. ઉપરાંત શાસનાધિકારીની ઓફિસને ગંગાજળ છાંટી શુદ્ધ કરવાનો પ્રયાસ કરતા પોલીસ અને કૉંગ્રેસના કાર્યકર્તા વચ્ચે ઘર્ષણ ઉભું થયું હતું. આથી પોલીસે કૉંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હતી તેવી માહિતી મળી હતી.
કેશોદ અકસ્માત સહાય કૌભાંડ, પસ્તી કૌભાંડ, ફર્નિચર કૌભાંડ, ઇન્ટર એક્ટિવ બોર્ડની ખરીદીમાં કૌભાંડ, શેતરંજી કૌભાંડ, હોસ્ટેલ કૌભાંડ, ટ્રાન્સપૉર્ટ કૌભાંડ, સ્વચ્છતા કીટ કૌભાંડ સહિતના કૌભાંડોમાં હાથ સાફ કરનાર શિક્ષણ સમિતિના શાસનાધિકારી હિતેશ માખેચાને બે દિવસ અગાઉ ભાજપ શાસકોએ સસ્પેન્ડ કરી દીધો હતો. શાસનાધિકારીના અનેક વિવાદો બાબતે સમિતિના કોંગ્રેસના સભ્યો તથા યુથ કોંગ્રેસે અવારનવાર મનપા કમિશનરને આક્રમક રજૂઆતો કરવામાં આવતી હતી.