1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 મે 2017 (14:39 IST)

વલસાડ જિલ્લામાં કેરીનું મબલખ ઉત્પાદન પરંતુ ખેડૂતોને કોઈ લાભ નહીં

વલસાડ જિલ્લામાં છેલ્લા ૧૦ વર્ષમાં આંબાની કલમનું વાવેતર લાખોમાં થયું છે. એક ઝાડ પરથી માત્ર ૧ મણ કેરી નીકળે તો પણ લાખો મણ કેરીનું ઉત્પાદન મળશે. પરંતુ તેથી ખેડૂતોને ખાસ લાભ થતો નથી. આટલા જંગી જથ્થાના નિકાલની યોગ્ય વ્યવસ્થા સરકાર દ્વારા થતી ન હોવાને કારણે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી. કેનિંગ ફેકટરીઓવાળા ખેડૂતોને મણ દીઠ ૩૦૦થી ૪૦૦ રૃ. કરતાં વધારે ભાવ આપતા નથી. બીજી તરફ, ખતરનાક પેસ્ટીસાઇડ્સના ઉપયોગને કારણે યુ.કે., યુ.એસ.એ. સહિતના વિદેશોમાં ગુજરાતની કેરીના નિકાસ પર પ્રતિબંધ લાદી દેવાયો છે. તેને કારણે ખેડૂતોને સરવાળે નુકસાન જ જઇ રહ્યું છે.
 
 ખેડૂતોએ થોડી ધીરજ રાખીને, પાક બરાબર તૈયાર થાય પછી જ ઝાડ પરથી બેડે તેવી સલાહ જાણકારો આપી રહ્યા છે.વલસાડ કેરી માર્કેટના મોટા ગજાના વેપારી આર.આર. મિશ્રાના જણાવ્યાનુસાર, જેને જ્યાં કાંટો માંડવો હોય ત્યાં માંડવાની સરકારે છૂટ આપતા, વેપારીઓ જ નહીં તો હવે ખેડૂતો પણ તેમના ગામોમાં કાંટો માંડીને બેસી ગયાં છે. જેને કારણે ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, એમ.પી., રાજસ્થાન, યુ.પી., બિહાર સહિતના દૂરના રાજ્યોના વેપારીઓ સીધેસીધા ખેડૂતોનો સંપર્ક કરવા માંડતા, વલસાડ એ.પી.એમ.સી.ના વેપારીઓને ભારે નુકસાન થયું છે. 
 
જો કે, આ સ્થિતિ ધરમપુર એ.પી.એમ.સી. માર્કેટના વેપારીઓને લાગુ પડી નથી. ધરમપુર માર્કેટ હાલ પૂરબહારમાં ખીલ્યં છે. અહીં ભાવો સારા મળતા હોય, બારડોલીથી નેત્રંગ સુધીના ખેડૂતો તેમની કેરી વેચવા આવી રહ્યા છે. જો કે, કેટલાક ખેડૂતોએ સમય કરતાં પહેલાં કેરી બેડીને માર્કેટમાં ઉતારી દીધા બાદ, વેપારીઓએ દુબઇ સહિત ગલ્ફના દેશોમાં એક્સપોર્ટ કરી દીધી, પરંતુ કેરી પૂરેપૂરી પાકી નહીં, તેથી ત્યાં વલસાડ જિલ્લાની કેરીની માંગ ઘટી જતા, વલસાડ જિલ્લાના માર્કેટોમાં આફૂસ, કેસર, રાજાપુરી સહિત તમામ કેરીના ભાવોમાં જબરદસ્ત કડાકો બોલાયો છે. આ સ્થિતિમાં ખેડૂતોને નુકસાન જવાની શક્યતા વધી છે.