અનામત આંદોલનના નેતાઓ સાથે સરકાર વાતચીત કરવા માટે તૈયાર - નીતિન પટેલ
ભાજપ સરકાર અને પાટીદાર અનામત આંદોલન સમિતિ-પાસ વચ્ચે ફરી એક વખત પાટીદારો માટે સરકાર શું જાહેરાત કરી શકે તેવા મુદ્દે મંત્રણા થવાની શક્યતાઓ છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પાસના નેતાઓને મિટિંગ કરવી હોય તો સરકારનું મન ખુલ્લું છે તેમ કહેવામાં આવ્યા બાદ પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા સરકાર સાથે ચર્ચા કરવા માટે બેસવાની તૈયારી દર્શાવાઇ છે. હાર્દિકના કહેવા મુજબ સરકાર પાટીદાર સમાજને હવે શું આપવા માગે છે તે જાણવા માટે પણ અમે મિટિંગ કરવા તૈયાર છે.
નીતિનભાઇએ એવા પણ સંકેત આપ્યા છે કે સરકાર આયોગ બનાવવા તૈયાર છે પરંતુ તેનું નામ પાટીદાર હોવું જોઇએ કે સવર્ણ આયોગ તે અંગે પાટીદાર આંદોલનકારી નેતાઓ પણ એકમત નથી. પાસની કોર કમિટીના સભ્ય વરૂણ પટેલે જણાવ્યું હતું કે, હજુ વિધિવત્ આમંત્રણ મળ્યું નથી પરંતુ સરકાર ટૂંક સમયમાં પાસના પ્રતિનિધિઓ સાથે મિટિંગ કરશે તેવી અમને આશા છે. જો પાટીદારોને લાભ થાય તેવું આયોગ રચવા સરકાર તૈયાર હોય તો તેનું જે નામ હશે તે સ્વીકારવા પણ તૈયાર છે. બીજી બાજુ એસપીજીના લાલજીભાઇ પટેલે કહ્યું હતું કે, સરકાર દ્વારા સત્તાવાર રીતે આમંત્રણ પાઠવાયું નથી પણ પાટીદાર સમાજના પ્રશ્નોનો ઉકેલ લાવવો જરૂરી હોવાનું જણાવ્યું હતું. તેમના જન્મદિન નિમિત્તે પણ એસપીજીના કાર્યકરો દ્વારા સમાજને ન્યાય માટે લડત આપી કાર્યરત રહેવા માટે શુભેચ્છા આપવામાં આવી હતી.