ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 7 જૂન 2017 (12:26 IST)

બેશરમ તંત્ર ગુજરાતમાં આઠ વર્ષથી હક માટે શહિદના પિતાને રઝળાવે છે.

સરહદે કોઈ શહિદ ના થાજો રે એવું કહેતા હવે દેશના સૈનિકોના માતા પિતા કહે એ દિવસો હવે દુર નથી. કારણ કે શહિદના પરિવારજનોને આપવામાં આવતી સહાય માટે પરિવારે લડવું પડે એ દેશના નીચ અને નબળા તંત્રને સહેજ પમ શરમ નથી. કેન્દ્ર સરકાર સર્જિકલ સ્ટ્રાઇકના નામે વાહવાહી લૂટી રહી છે ત્યારે અમદવાદ મીરરના એક રીપોર્ટમાં જાણવા મળ્યું છે કે  રાજ્યમાં એક એવો પણ પરીવાર છે જેમના પુત્રની શહીદી બાદ આઠ-આઠ વર્ષથી વૃદ્ધ માતા-પિતાને પોતાના હક્ક માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે.

મેજર ઋષિકેશ રામાણી વર્ષ 2009માં ઊત્તર કશ્મીરના કુપવાડા ખાતે ત્રાસવાદીઓ સામેના એક ઓપરેશનમાં શહીદ થયા હતા. જે સમયે તેમની ઉંમર માત્ર 25 વર્ષ હતી. પુત્રે દેશ માટે દુશ્મનો સાથે લડતા પોતાનું જીવન આપ્યું અને હવે તેમના માતા-પિતા એક શહીદના પરીવારને મળતા હક્ક અને સન્માન માટે પાછલા આઠ વર્ષથી સરકારી પ્રથા સામે લડી રહ્યા છે.શહીદ મેજર ઋષિકેશના સન્માનમાં તેમના પરીવારને 16 એકર જેટલી જમીન ફાળવવામાં આવી હતી. જોકે 63 વર્ષીય વલ્લભભાઈ રામાણીના જણાવ્યા અનુસાર અનેક અરજીઓ અને જુદા જુદા વિભાગોની કચેરી તથા બાબુઓના ટેબલના ધક્કા ખાધા પછી પણ હજુ સુધી જમીન પણ જોવા મળી નથી.  વલ્લભભાઈ જણાવે છે કે, ‘હું ભણેલો-ગણેલો વ્યક્તિ છું છતાય જો મારે એક ટેબલથી બીજા ટેબલે દોડવું પડતું હોય તો જે શહીદોના માતા-પિતા અભણ છે તેમની શું દશા થતી હશે.’પોતાના પુત્રની યાદમાં વલ્લભભાઈએ એક ટ્રસ્ટની સ્થાપના કરી છે જે વિના કોઈ મૂલ્યે સેનામાં જોડાવા માગતા યુવાનોને માર્ગદર્શન અને શીક્ષણ આપે છે. વલ્લભભાઈ પોતાનો નિર્ધાર પાક્કો કરતા કહે છે કે, ‘મેં પહેલી અરજી કરવા માટે ત્રણ વર્ષ રાહ જોઈ પરંતુ સરકાર તરફથી કોઈ પગલું ન ભરાતા મારે અરજી કરવી પડી. ગમે તેટલા પૈસા અથવા જમીન મારા પુત્રને પાછી લાવી શકે તેમ નથી પરંતુ આ તેના સન્માનનો સવાલ છે અને તેના માટે હું છેવટ સુધી લડીશ.’તેમણે વધુમાં કહ્યું કે, ‘2012માં જ્યારે મે પહેલી અરજી કરી તો રેવન્યુ વિભાગ દ્વારા પૂછવામાં આવ્યું કે ક્યા જિલ્લામાં તમારે જમીન જોઈએ છે અને મે ખેડા જિલ્લામાં જમીનની માગણી કરી હતી. જે બાદ રેવન્યુ વિભાગ દ્વારા મને જણાવાયું કે મારી માગણીને ખેડા જિલ્લાની કલેક્ટર ઓફિસમાં મોકલી દેવામાં આવી છે અને લેન્ડ કમિટી આ અંગેનો નિર્ણય લઈ જણાવશે. જ્યારે  ખેડા જિલ્લાના કલેક્ટર કુલદીપ આર્યાનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમને આ અંગે પુછવામાં આવતા તેમણે કહ્યું કે, ‘મારી પાસે આ કેસ બાબતે હાલ કોઈ માહિતી નથી પરંતુ હું તે અંગે તપાસ કરીશ અને ત્યાર બાદ તમને જણાવીશ.’ મેજર રામાણીના પિતાએ અંતમાં કહ્યું કે, ગુજરાત સરકારે સેના મેડલ એવોર્ડ તરીકે રૂ.3000નો ચેક પાઠવ્યો હતો પરંતુ અમે આ ચેક પરત કરી દીધો છે. એક સૈનિકની શહીદી માટે આપવામાં આવતી આટલી નાની રકમ લેતા મારૂ સ્વાભિમાન ઘવાય છે.