શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 4 જુલાઈ 2017 (09:52 IST)

ગુજરાતના ખેડૂતોનું દેવું માફ કરવા હાર્દિક પટેલે ગોંડલમાં સંમેલન બોલાવ્યું

અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોએ પોતાનાં દેવાં માફ કરાવવા બાંયો ચડાવી છે. ઓબીસી એકતા મંચે ખેડૂતોનાં દેવાં માફ કરાવવાનું આંદોલન શરૂ કર્યું છે ત્યાં પાટીદારો, ગુજરાત ખેડૂત સમાજ અને આમ આદમી પાર્ટીએ પણ ઝૂકાવતાં ભાજપ માટે નવી મુશ્કેલી ઉભી થઈ છે.  જો ખેડૂતોનાં દેવા માફ ના કરાય તો 5 અને 6 જુલાઇએ ગુજરાતમાં દૂધ રોકો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. આ અંગે ઉત્તર ગુજરાતની કેટલીય દૂધડેરીઓ પર બેનરો લગાવાયાં છે આ બેનરોમાં દર્શાવાયુ છે કે, ખેડૂતોના દેવાં માફ કરાવવાં હોય તો દૂધ ભરતા નહીં. આ ઉપરાંત ખેડૂતોને અપીલ કરાઇ છે કે, બે દિવસ સુધી ડેરીમાં દૂધ ભરાવવા જશો નહીં . શનિવારે પાટણમાં ઓબીસી એકતા મંચે વિશાળ રેલી યોજીને ખેડૂતોના દેવામાફીની માંગને બુલંદ બનાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ) અને ગુજરાત ખેડૂત સમાજે સંયુક્ત રીતે ખેડૂતોનાં દેવામાફીની લડાઇમાં ઝુકાવવા નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે 3 જુલાઇએ હિંમતનગરમાં ખેડૂત અધિકાર રેલી યોજાશે જેમાં કલેક્ટરને આવેદનપત્ર અપાશે. આ ઉપરાંત હાર્દિક પટેલે ગોંડલમાં ખેડૂતોનું સંમેલન બોલાવ્યું છે. ગુજરાતમાં ખેડૂતોનાં દેવાં માફ કરવાની માંગણીઓ સાથે 8 જુલાઈએ પાટીદાર અનામત આંદોલન સમિતી  ના કન્વિનર હાર્દિક પટેલે બોલાવેલા સંમેલનમાં 1 લાખ કિસાનો તથા પાટીદારો ઉમટી પડશે. આ સંમેલનમાં અનામત અને દેવા માફીની માગ બુલંદ કરાશે.