મચ્છુ ડેમના પાણીએ માળિયા વિસ્તારને તહસનહસ કરી નાખ્યું હતું. લોકો સુરક્ષિત આશરા માટે આમતેમ દોડતા હતા ત્યારે રેલવેનો એક ડબ્બો પરિવારો માટે આશ્રયસ્થાન બની રહ્યો હતો. માળિયા પંથકમાં મચ્છુ વહેણના પાણી ભરાઈ જતા હજારો લોકો પાણીમાં ફસાયા હતા તો સમયસર નીકળી જવામાં સફળ રહેલા લોકો માટે આશ્રય મેળવવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હતો.
માળિયા પંથકના પરિવારના 60 જેટલા સભ્યો સમયસર પાણીમાંથી નીકળી ગયા બાદ રેલવે સ્ટેશને પડેલા ખાલી ડબ્બામાં આશ્રય મેળવ્યો હતો અને 48 કલાક તેમાં વિતાવ્યા હતા. ભારે પાણીના પ્રવાહે આમેય રેલવે ટ્રેક ધોઈ નાખતા ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેથી સ્ટેશને પડેલી ટ્રેનના એક ડબ્બામાં પરિવારોએ આશરો મેળવ્યો હતો. શનિવાર અને રવિવાર એમ બે દિવસના 48 કલાક સુધી પરિવારો માટે રેલવેનો ડબ્બો આશ્રયસ્થાન બની રહ્યો હતો. જ્યાં પરિવારોએ રહેવા, જમવા અને સુવાની વ્યવસ્થા કરી હતી. જો કે મુસીબતના ડુંગરો ખડકાયા હતા ત્યારે રેલવેના ડબ્બાએ પરિવારને બે દિવસ આશ્રય આપ્યો હતો જેથી પરિવારો હેમખેમ બચી ગયા હતા.