શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 19 માર્ચ 2018 (13:40 IST)

અમદાવાદમાં બ્રિજ કોર્સના વિરોધમાં મેડિકલના વિદ્યાર્થીઓએ કર્યો ‘પકોડા પ્રોટેસ્ટ’

રાજ્યભરના મેડિકલના વિદ્યાર્થીઓએ અમદાવાદમાં કલેક્ટર કચેરી પાસે ભેગા થઈને ‘પકોડા પ્રોટેસ્ટ’નું આયોજન કર્યુ હતું. આ વિદ્યાર્થીઓ નેશનલ મેડિકલ કમિશન દ્વારા મુકવામાં આવેલા આયુષના ડોક્ટર્સ માટે એલોપથીની પ્રેક્ટિસ કરવા માટે બ્રિજ કોર્સની જોગવાઈના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા છે. લગભગ 250થી વધારે એલોપથીના વિદ્યાર્થીઓએ ભજિયા તળ્યા હતા અને બેનર સાથે વિરોધ કર્યો હતો. તેમના બેનર પર લખ્યુ હતું કે, પકોડાની કમાણી તમે રાખો, અમને 2 કરોડ લોકોને રોજગારી આપો. આ સિવાય અન્ય એક બેનરમાં લખ્યુ હતું કે, રિક્ષા ડ્રાઈવરને પણ બ્રિજ કોર્સ કરાવીને એરક્રાફ્ટ ઉડાવવાની મંજૂરી આપો. આ પ્રોટેસ્ટના કન્વીનર ડો.સુનીલ શાહે જણાવ્યું કે, NMCના પ્રસ્તાવિત બિલ અનુસાર, હોમિયોપેથી અને આયુર્વેદિક ડોક્ટર્સ બ્રિજ કોર્સ કરીને એલોપથીની પ્રેક્ટિસ કરી શકે છે. જ્યારે એક MBBSને પાંચ વર્ષનો કોર્સ કર્યા પછી પણ એક્ઝિટ ટેસ્ટ આપીને પ્રેક્ટિસની મંજૂરી મળતી હોય છે.ડો. શાહે આગળ કહ્યું કે, જો તેમની પાસે બ્રિજ કોર્સ નામની જાદુઈ મશીન હોય તો તેમણે તે મશીન અમને પણ આપવું જોઈએ. અમે દેશના કરોડો બેરોજગાર લોકોને તે મશીનની મદદથી ડોક્ટર બનાવી દઈશું.પકોડા પ્રોટેસ્ટ વિષે ડો.શાહે જણાવ્યું કે, અત્યારે ભજિયા વેચીને રોજગાર મેળવવાનો મુદ્દો ચાલી રહ્યો છે ત્યારે અમને લાગ્યું આ રીતે વિરોધ કરવાથી તેની નોંધ લેવામાં આવશે. રાજકોટના ડોક્ટર રાજ જોશી કહે છે કે, MBBS સ્ટુડન્ટ્સ માટે એક્ઝિટ ટેસ્ટ અને 9 મહિનાના બ્રિજ કોર્સ જેવા નિયમો લાગુ કરવામાં આવશે તો ડોક્ટર્સે ભજિયા વેચવાનો વારો આવશે.