સ્વિડીશ હોમ ફર્નિશિંગ કંપની ગુજરાતમાં રિટેલ સ્ટોર્સ શરૂ કરશે

Last Modified શનિવાર, 14 એપ્રિલ 2018 (14:46 IST)

ગુજરાત સરકાર અને ફર્નિશિંગ કંપની IKEA વચ્ચે રાજ્યમાં હોમ ફર્નિશિંગ સ્ટોર્સ શરૂ કરવા માટેના MoU આજે ગાંધીનગરમાં સંપન્ન થયા હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં આ સમજૂતિ કરાર ઉપર મુખ્યમંત્રીના અગ્રસચિવ અને ઉદ્યોગ અગ્રસચિવ મનોજકુમાર દાસ અને IKEA ઇન્ડિયાના પ્રોપર્ટી હેડ David McCauslandએ પરસ્પર હસ્તાક્ષર કર્યા હતાં. મનોજકુમાર દાસે આ MoUની વિગતો આપતા જણાવ્યું કે આ સ્વિડીશ હોમ ફર્નિશિંગના ગુજરાતમાં આગમનથી ૨,૦૦૦ થી ૩,૦૦૦ કરોડનું અંદાજિત રોકાણ રાજ્યમાં આવશે
તેમજ ૨ હજાર પ્રત્યક્ષ અને ૩ હજાર પરોક્ષ રોજગાર અવસર સાથે કુલ પાંચ હજાર લોકોને રોજગારી મળશે.

IKEA દ્વારા હોમ ફર્નિશિંગ ક્ષેત્રમાં ઉત્પાદકીય જ્ઞાન-કૌશલ્ય ટ્રાન્સફર, રિટેલ ક્ષેત્રે સ્કીલ ડેવલપમેન્ટ થકી રાજ્યના હોમ ફર્નિશિંગ રિટેલ સેક્ટરમાં સર્વગ્રાહી વિકાસ અને આર્થિક વૃદ્ધિ થશે. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટના સમયસર અને ત્વરિત અમલ માટે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી છે. ગુજરાતની અવિરત પ્રગતિયાત્રાથી પ્રેરિત થઇને અનેક મલ્ટિનેશનલ બ્રાન્ડ્સ ગુજરાતમાં તેમનો વ્યવસાય કારોબાર આવનારા દિવસોમાં શરૂ કરશે તેવી અપેક્ષા મુખ્યમંત્રીના અગ્રસચિવે વ્યક્ત કરી હતી. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે IKEA પોતાના રિટેલ સ્ટોર્સ શરૂ કરવા ફર્સ્ટ ફોકસ સિટી તરીકે અમદાવાદ પર પસંદગી ઉતારશે. IKEA દ્વારા આ પ્રકારના MoU હરિયાણા, કર્ણાટક, તેલંગાણા અને મહારાષ્ટ્ર સાથે પણ કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો :