સ્થાનિકોને રોજગારી મુદ્દે ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાનું ચોંકાવનારું નિવેદન, કહ્યું : ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી અપાવવા માટે જે કરવું પડશે તે કરીશ

gujarat news
Last Modified શુક્રવાર, 12 ઑક્ટોબર 2018 (13:57 IST)
હિંમતનગરના ઢૂંઢર ગામની ૧૪ માસની માસૂમ બાળકી પર પરપ્રાંતિય દ્વારા થયેલ દુષ્કર્મને પગલે રાજ્યમાં પરપ્રાંતિયોની હિજરતનો મુદ્દો ગરમાયો છે ત્યારે આ મુદ્દે પરપાંતિયોની સુરક્ષા મામલે ફિક્સમાં મૂકાયેલી રાજ્યની ભાજપા સરકારને ઘેરવા માટે વિપક્ષના નેતાઓ નિવેદનો કરે તે તો સમજી શકાય પરંતુ હવે ભાજપના જ એક ધારાસભ્યે આ મુદ્દે ચોંકાવનારું નિવેદન કરીને સરકારની મુશ્કેલીઓ વધારી દીધી છે. પરપ્રાંતિયો દ્વારા થતી હિજરતના મુદ્દે ભાજપની સરકારે જ્યારે સીધો આક્ષેપ ઠાકોર સેના સામે કર્યો હતો અને પરપ્રાંતિયોની હિજરત માટે કોંગ્રેસી ધારાસભ્યની આગેવાનીવાળી ઠાકોર સેનાને જવાબદાર ઠેરવી હતી ત્યારે મૂળ કોંગ્રેસના પણ વર્ષ ૨૦૧૪માં પાટલી બદલીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયેલ અને હવે ભાજપાના ધારાસભ્ય એવા રાજેન્દ્રસિંહ ચાવડાએ એક વિવાદાસ્પદ નિવેદન કરીને પ્રાંતવાદ મુદ્દે ઝેર ઓક્યુ છે.
વાયરલ થયેલ એક વિડીયોમાં રાજેન્દ્રસિંહ ચાવડાએ તેમના નિવેદનમાં સ્પષ્ટપણે જણાવ્યું હતુ કે રાજ્યના સ્થાનિક લોકોને જો નોકરીઓ નહિ મળે તો માટે જે કંઈ કરવું પડશે તે કરીશ. ચાવડાએ વિડીયોમાં રોજગારી બાબતે યુવાનોની વેદનાની સાથે સાથે માનવ સંવેદનાની વાત પણ કરી હતી. ચાવડાએ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના એક નિવેદનનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે અમારા વિજયભાઈએ હમણા જ જાહેરાત કરી હતી કે રાજ્યની કોઈ ફેક્ટરીમાં ૮૦ ટકા સ્થાનિક લોકોને રોજગારી નહિ આપવામાં આવી હોય તે હું ચલાવી નહિ લઉં. ચાવડાએ આગળ કહ્યું હતું કે નોકરીઓમાં કેટલા સ્થાનિકો છે અને કેટલા પરપ્રાંતિયો છે તેનો હું સરવે કરાઉં છું જો ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી આપવામાં નહિ આવી હોય તો હું જાહેરમાં કહું છું કે ૮૦ ટકા સ્થાનિકોને રોજગારી આપવા માટે મારે જે કરવું પડશે તે હું કરીશ.
આ વિડીયો વાયરલ થતા ઠાકોર સેના અને કોંગ્રેસના ધારાસભ્યોને તો જાણે દોડવું હતું ને ઢાળ મળી ગયો છે એવી સ્થિતિ પેદા થઈ છે. આ મામલે હવે તેઓ ભાજપના જ એક ધારાસભ્ય દ્વારા કરાયેલ નિવેદનને લઈને સરકારને ઘેરવાની એક પણ તક જતી નહિ કરે. કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ રોજગારી મુદ્દે સરકાર પર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે રાજ્યની સરકાર રોજગારી આપવામાં તદ્દન નિષ્ફળ ગઈ છે.

રાજેન્દ્રસિંહના આ નિવેદનથી પરપ્રાંતિયોની સુરક્ષાને લઈને સરકાર સામે અનેક સવાલો ઉભા છે ત્યારે આ ચોંકાવનારું નિવેદન સરકારની મુશ્કેલીઓ ચોક્કસ વધારશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે સરકાર હવે પોતાના જ ધારાસભ્યના આ નિવેદન સામે કેવું સ્ટેન્ડ લે છે.


આ પણ વાંચો :