શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 14 ઑગસ્ટ 2019 (10:53 IST)

૭૩માં આઝાદી પર્વે મુખ્યમંત્રી પ્રજાને પાઠવ્યો સંદેશ, વાંચીને તમારો જુસ્સો થઇ જશે બમણો

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ૭૩માં આઝાદી પર્વે ગુજરાતના સૌ નાગરિક ભાઇ-બહેનોને આહવાન કર્યુ છે કે નયા ભારતના પ્રધાનમંત્રી સંકલ્પમાં ગુજરાત લીડ લેશે. આ માટે તેમણે ગુજરાતીઓના શક્તિ સામર્થ્યથી શાનદાર જાનદાર ગુજરાત બનાવવાનો કોલ આપ્યો છે. મુખ્યમંત્રીએ ‘એક ઔર સૂર્ય ઉગાના હૈ, અંબર સે ઊંચા જાના હૈ, નયા ભારત બનાના હૈ’નો મંત્ર આપતાં સૌને દેશ માટે જીવી જાણવા, કણ-કણ ક્ષણ-ક્ષણ રાષ્ટ્ર ઉત્થાન માટે સમર્પિત કરવા પ્રેરણા આપી છે. 
 
મુખ્યમંત્રીનો સ્વાતંત્ર્ય દિન પ્રજાજોગ સંદેશ અક્ષરશ : આ મુજબ છે:- 
વ્હાલા ગુજરાતના મારા ભાઇઓ અને બહેનો. આઝાદી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. દેશ ૭૩મું સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ઉજવી રહ્યો છે. એ સ્વાતંત્રતા આઝાદીના મૂળીયા જેમણે સિંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ, ક્રાંતિકારીઓ અનેક નામી-અનામી એવા સૌ કોઇને આજના દિવસે પૂણ્ય સ્મરણ કરીને આપણે એમને વંદન કરીએ છીએ.
 
વર્ષોના વર્ષો અવિરત સંઘર્ષ બ્રિટીશરોની લાઠીઓ ખાઇ ખાઇને, ગોળીઓ ઝીલી ઝીલીને અનેક વિરલાઓએ ફાંસીના તખ્તા ઉપર ચઢીને આ મહામૂલી આઝાદી અપાવી છે. ખુદીરામ બોઝ, ભગતસિંહ સુખદેવ, રાજગુરૂ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક આવા અનેક લોકોએ દેશનું નેતૃત્વ કરીને સુભાષચંદ્ર બોઝ જેવા લોકોએ આઝાદ હિંદ ફોજ ઉભી કરીને બ્રિટીશરો સામે લડતા લડતા આપણને મહામૂલી આઝાદી અપાવી છે. દેશ માટે મરી ફીટનારા, જાન કુરબાન કરનારા, સૌ કોઇને આ નમન કરવાનો અવસર છે. સાત દાયકાઓથી આઝાદીની આબોહવામાં આપણે જીવી રહ્યા છીએ.
 
આપણને સ્વરાજ્ય મળ્યું ૧૯૪૭માં પરંતુ ભારતના નકશાનો નવા રાષ્ટ્ર તરીકે ઉદય થયો અને ગુજરાતની ધરતીના બે મહાન પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આ લડતનું નેતૃત્વ કરીને આઝાદી અપાવી. દેશના પ્રથમ ગૃહ મંત્રી એવા સરદાર સાહેબે દેશના રજવાડાઓનું વિલીનીકરણ કરીને નવાબને ભગાડીને, નિઝામને દબાવીને એક રાષ્ટ્ર બનાવવાને ભગીરથ પુરૂષાર્થ પાર પાડયો છે.
 
પરંતુ કાશ્મીરમાં ૩૭૦ની કલમ ૩૫એના કારણે જાણે કાશ્મીર ભારતથી અલગ હોય એવું કમનસીબે સ્ટેટસ બન્યું. કાશ્મીરના અલગ દરજ્જાએ આપણા દેશમાં અલગતાવાદ ઉભો કર્યો. ર્ડા. શ્યામાપ્રસાદ મુખરજીએ પોતાના જીવની બાજી લગાડીને શહાદત વહોરીને કાશ્મીર માટે લડાઇ લડયા. નહીં ચલેગા... નહીં ચલેગા... એક રાષ્ટ્ર મેં દો નિશાન... દો વિધાન... દો પ્રધાન. કાશ્મીરને ભારતનું અવિભાજય અંગ બનાવવા શ્યામાપ્રસાદ મુખરજીએ પોતાનું બલિદાન આપ્યું. 
 
કાશ્મીરી ઘાટીમાં વર્ષો સુધી સાત સાત દાયકા સુધી અલગતાવાદીઓ આતંકવાદને વધારતા ગયા. ૪૧ હજારથી વધુ નિર્દોષ લોકો આતંકનો ભોગ બન્યા, જાન ગુમાવ્યા. કાશ્મીર સાત દાયકાથી વિકાસથી વંચિત રહ્યું. ભારતનું સ્વર્ગ કાશ્મીર એ નર્ક બન્યું એટલે જ એમ કહીએ છીએ કે દેશને સ્વરાજ્ય મળ્યું પરંતુ કાશ્મીરની સમસ્યાઓમાં એ સપનું અધુરૂં દેખાયું.
 
સ્વરાજનું સપનું ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭માં બે સપૂત ગુજરાતના ગાંધીજી અને સરદાર સાહેબે સાકાર કર્યું. એ જ રીતે ગુજરાતના બે નરબંકાઓ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહે ૭ર વર્ષ પછી પમી ઓગસ્ટ, ર૦૧૯એ પૂર્ણ સ્વરાજ માટે કાશ્મીરમાં આપણે એમ કહીએ કે કાશ્મીરનો મુગટ મણી ભારત માતાના લલાટ ઉપર એને પૂર્ણકાલીન રૂપે શોભાવ્યો. ૩૭૦ની કલમ હટાવી ૩૫એ કલમ દૂર કરી અને સવાસો કરોડ ભારતીયો માટે ખરા અર્થમાં આ આઝાદી પર્વ એક ઐતહાસિક પર્વ બની રહ્યું. ભાઇઓ-બહેનો ગુજરાતમાં પણ આપણી સરકારે ગાંધી, સરદાર, નરેન્દ્રભાઈ, અમિતભાઈના પદચિન્હો પર ચાલીને સ્વરાજ્ય પછી સુરાજ્ય ગુડ-ગવર્નન્સ કેડીને પ્રસ્થાપિત કરી છે. 
 
આઝાદી પહેલા ‘‘ડાઇ ફોર ધ નેશન’’ અને હવે લીવ ફોર ધ નેશન. દેશમાં પોલીટીકલ ડેવલપમેન્ટનો નવો યુગ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે. માત્ર સરકાર ચલાવવી નહીં, સત્તામાં ટકી રહેવું એવા સિમીત ઉદ્દેશ્યથી નહીં. પરંતુ સરકાર એ લોકો માટે, સારી રીતે લોકોના સપનાઓને સાકાર કરતી સરકાર આગળ વધારવી. સરકાર લોકો માટે, લોકો વડે, લોકો  થકી, લોકોના સપનાઓને સિદ્ધ કરે અને એટલે જ અમે લોકોએ ગુજરાતમાં પારદર્શિતા, સંવેદનશીલતા, નિર્ણાયકતા, પ્રગતિશીલતાના ચાર સ્તંથો ઉપર લોકકલ્યાણાનો ધ્યેય નક્કી કરીને આપણે આગળ વધી રહ્યા છીએ.
 
પ્રજાતંત્રમાં પ્રજા જ સર્વોપરી છે અને પ્રજાએ હંમેશા કટોકટીના કાળમાં પ્રજાએ એક મેચ્યોર મેન્ડેન્ટ આપ્યા છે. લોકશાહીની ગરિમાને વધારી છે. સામાન્યમાં સામાન્ય માનવી ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ગામડું, ખેડૂત, યુવા, મહિલા આ બધાને લાગે કે સરકાર પોતીકી છે. પોતાનો અવાજ સાંભળનારું કોઇ છે. એવો ભરોસો લાગે અને એટલા માટે અમારો મંત્ર છે ‘‘ સૌનો સાથ સૌનો વિકાસ ’’ અને હવે ‘‘સૌનો વિશ્વાસ ’’ એક પળ પણ આરામ કર્યા વગર દિન-રાત પ્રજાકલ્યાણના કામોમાં આપણે સમર્પિત છીએ. ત્રણ વર્ષના સેવાના કાળમાં ૬૦૦થી વધુ નિણર્યો કરીને અનિર્ણાયકતાને ફગાવીને નિર્ણાયકતાના આધાર પર આપણે આગળ વધી રહ્યા છીએ.
 
ભાઇઓ-બહેનો, સંવેદનશીલ સરકાર તરીકે પ્રત્યેક જીવોની ચિંતા, બધાંયને અભયદાન અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. અનેક નિર્ણયો એવા છે કે જે નિર્ણયોમાં સંવેદનશીલતા અને સંવેદના લોકો, ગરીબો અને પીડિતો માટે આપણે વ્યકત કરી છે. અનેક પ્રસંગો એવા છે કે ગરીબો માટે સમર્પિત સરકાર બની છે પછી એ આરોગ્યની વાત હોય, ગુજરાતના ૬૦ લાખ પરિવારોને આરોગ્યની સુરક્ષા આપવા માટે મા અમૃતમ અને મા વાત્સલ્યની યોજના ચલાવીને સૌને આરોગ્યની સુરક્ષા, કોઇની પાસે હાથ લાંબો કરવો ન પડે. સરકાર પાંચ-પાંચ લાખ રૂપિયા સુધી એમના ઓપરેશનનો અને દવાનો ખર્ચ કરીને આરોગ્યની સેવાઓ પૂરી પાડી છે.
 
બેટીને જન્મથી જ વધાવવા ‘‘વ્હાલી દીકરી યોજના’’ શરૂ કરી છે અને દીકરીઓ અને દીકરાઓ સમાન છે. આપણે એને સાથે ગણીને બેટી બચાવો, બેટી પઢાવો અને એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. સાથે સાથે કયાંય પણ અકસ્માત થયો હોય તો ગોલ્ડન અવરમાં પચાસ હજાર રૂપિયા સરકાર આપે. ર્ડાકટરોએ-હોસ્પિટલોએ પૈસાની રાહ જોવી ન પડે એ દિશામાં આપણા પ્રયત્નો છે અને એ યોજના આપણે લાગુ કરી દીધી છે. સાથે સાથે ગરીબ પરિવારોના લગ્ન માટે જાનમાં જવા માટે નબળા વાહનોના ઉપયોગથી અકસ્માતો થતા હતા. એસ.ટી.ની બસ નજીવા દરે આપીને રંગેચંગે લગ્ન ઉજવે. ગરીબો પણ આનંદથી લગ્નની ઉજવણી કરે એ દિશામાં પણ ગરીબો માટે આપણે નિર્ણય કર્યા છે. ગરીબો માટે, મજદૂરો માટે ૧૦ રૂપિયામાં ગરમ ભોજન અન્નપૂર્ણા યોજના હેઠળ દાળ, ભાત, શાક અને રોટલી મળે. કોઇ ભૂખ્યું ન સુવે. એની ચિંતા કરી છે. ગરીબોને રહેવા માટે માથે છત પ્રધાન મંત્રી આવાસ યોજના, મુખ્ય મંત્રી આવાસ યોજના. દરેકને ઘરનું ઘર, રોટી, કપડાં મકાનની ચિંતા પણ આ રાજ્ય સરકારે કરી છે.
 
કરૂણા અભિયાનને એનીમલ એમ્બ્યુલન્સ દ્વારા પશુ-પંખીઓને પણ ૧૦૮ની જેમ સેવાઓ પૂરી પાડવામાં આવી છે. વિધાવા-માતા બહેનોનું ઓશિયાળું જીવન ન જાય, વિતાવવું ન પડે એટલા માટે ૧.૫ લાખ વિધવા બહેનોના પેન્શનમાં વધારો કર્યો છે. સાથે સાથે ૧.૬૫ કરોડ ગરીબો-વંચિતો, મજદૂરો, વનબંધુઓ બધાના માટે સેવા સેતુના કાર્યક્રમથી સરકાર પ્રજા વચ્ચે જાય અને ત્યાં એના અધિકારો આપવામાં આવે એમની યોજનાઓની સહાયતા આપવામાં આવે. સાચો રહી ન જાય, ખોટો લઇ ન જાય એની ચિંતા કરી છે.
 
રાજ્યમાં માતા, બહેનો, દીકરીઓની સલામતી-સુરક્ષા એ અમારા માટે જવાબદારી છે અને એટલા માટે કડક કાયદા બનાવ્યા છે. ચેઇન સ્નેચીંગ કરનારા લોકોને કડકમાં કડક સજા મળે, કોઇ બહેન-દીકરીના ગળામાંથી ચેઇન લૂટવાનો પ્રયત્ન ન કરે. દારૂબંધીને કડક કરીને બહેનોની જે બેઇજ્જતી થતી હતી અને દારૂડીયાઓ દરરોજ બહેનોને મારે એ હવે કેટલા સમય સુધી ચલાવવું છે આ માટે દારૂબંધીને કડક બનાવી અને દારૂના કુટુંબને દારૂમાંથી ઉગારવું છે.
 
ગૌવંશ હત્યારાઓ માટે અમે કોઇ દયા દાખવવા માંગતા નથી. આજીવન કેદ. ગાય માતા છે અને ગાયની સુરક્ષા માટે સરકાર કટીબદ્ધ છે. નાની બાળકીઓ ઉપર દુર્વ્યવહાર, બળાત્કાર આવા નરાધમોને ફાંસીની સજા અને ફાસ્ટટ્રેક કોર્ટની જોગવાઇ કરીને કડકમાં કડક રીતે આપણે આગળ વધી રહ્યા છીએ. 
 
ભાઇઓ-બહેનો, ગુજરાતમાં કાયદો વ્યવસ્થા માટે સીસીટીવી કેમેરાના નેટવર્ક, ડ્રેાન સર્વેલન્સ, કોઇ ગુનેગાર છટકી ન જાય એની ચિંતા કરીએ છીએ. સાથે સાથે ભ્રષ્ટાચાર સામેનો જંગ છે આપણો. ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર બની ન જાય. સુચારૂ વહીવટ, પ્રજાપ્રિય શાસન અને એટલા માટે એન્ટીકરપ્શનને વધુ મજબૂત બનાવી પૂરતી સત્તા આપી છે. આવા ભ્રષ્ટ લોકો માટે કડકમાં કડક કાર્યવાહીની આ રાજ્ય સરકારે છૂટ આપી છે. અનેક કાયદા, નિયમો એવા હતા જેના કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળતું હતું. એવા કાયદાઓ, નિયમો બદલાવ્યા. પરવાનાઓમાંથી મુક્તી આપી અને સામાન્ય માણસને ધક્કા ખાવા ન પડે. પૈસા આપવા ન પડે એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. 
 
ભાઇઓ-બહેનો, નિર્ણયો પણ ફટાફટ કરી રહ્યા છીએ. આર્થિક રીતે પછાત લોકોને શિક્ષણમાં, રોજગારીમાં ૧૦ ટકા અનામત. ભારત સરકારની આ યોજનાનો ગુજરાતે સૌથી પહેલો અમલ કર્યો છે. ખેડૂતો માટે ખેડૂતોને વ્યાજના ખપ્પરમાંથી દૂર કરવા ૦ ટકા વ્યાજથી ધિરાણ આપ્યું છે. રૂા. ૫૦૦ કરોડ રીવોલ્વીંગ ફંડ પણ ઉભું કર્યું છે. કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ગુજરાતના તમામ કિસાનોને આવરી લીધા છે. સાથે સાથે ખેડૂતોના પાણી અને વીજળી સારી રીતે મળે, સિંચાઇ અને કૃષિની ચિંતા કરીને ખેડૂતની આવક બમણી કરવા માટે પણ રાજ્ય સરકાર કટીબદ્ધ છે. ટેકાના ભાવની ખરીદીમાં ૮૦૦૦ કરોડ રૂપિયાની ખરીદી કરી છે. આવી ભૂતકાળમાં કયારેય ખરીદી થઇ ન હોય એટલી ખરીદી ખેડૂતોની મહેનત એળે ન જાય અને પૂરતો ભાવ મળી રહે એની ચિંતા પણ સરકારે કરી છે. 
 
દુષ્કાળના દિવસોમાં પણ કચ્છ સહિત અનેક વિસ્તારોમાં કોઇપણ પશુ ઘાસ અને પાણી વગર તરફડે નહીં એટલા માટે ૧૫ કરોડ કિલો ઘાસનું વિતરણ, પાણીની વ્યવસ્થા અને દુષ્કાળમાં પણ લોકોની પડખે સરકાર ઉભી રહી છે. લોકોને સધિયારો આપ્યો છે અને એ ખરાબ દિવસો આપણે બધાયે પસાર કર્યા છે અને આજે મેઘરાજાની કૃપાથી ગુજરાતમાં પૂરતો વરસાદ અને પાણીની વ્યવસ્થા થઇ ગઇ છે. દુષ્કાળ ભૂતકાળ બન્યો છે.
 
ભાઇઓ-બહેનો, સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં આપણે આગળ વધવું છે. પર્યવારણની ચિંતા કરવી છે. સૌર ઊર્જાને મહત્વ આપવું છે. સોલાર રૂફ ટોપ દરેક મધ્યમ વર્ગનું કુટુંબ પોતાના ધાબા ઉપર સોલાર પેનલ લગાવીને અત્યારે થર્મલ ઇલેકટ્રીસીટી વાપરે છે એ બંધ થાય. પોતે પોતાની વીજળીનું ઉત્પાદન કરીને પોતાનું બીલ ઝીરો આવે અને પૈસા બચે અને વધારે વીજળી કરકસરથી પેદા કરશે તો સરકાર ખરીદશે. એમાંથી પૈસા કમાય એવી સૂર્ય ગુજરાત યોજના આપણે શરૂ કરી છે. જનતા એનો ખૂબ લાભ લે. સરકાર સબસીડી પણ આપે છે અને સાથે સાથે પાણીની પણ ચિંતા, પાણીના સોર્સને વધારવા ખારા-પાણીને મીઠું કરવા ડિસેલિનેશન પ્લાન્ટો ઉભા કરવા અને સાથે સાથે પાણીની કેપેસીટી વધારવા માટે તળાવો ઊંડા કરવા, નદીઓ સાફ કરવી, એનું અભિયાન પણ આપણે કર્યું છે અને એવી જ રીતે દરરોજ વપરાયેલા પાણીને સાફ કરીને રીયુઝ, રીટ્રીટ અને રીચાર્જ અને આ માટે એક એક પાણીના બુંદનો ઉપયોગ કરીને પાણીને પારસમણીની જેમ વાપરીને ગુજરાતને પાણીદાર બનાવવું છે.
 
નળ સે જળ તકનો સંકલ્પ પણ ર૦રર સુધીમાં પૂર્ણ કરવો છે. દરેક ઘરમાં નળ હાવો જોઇએ. દરેકનું પોતાનું ઘર હોવું જોઇએ અને કહે છે ને આપણે ત્યાં ઘરના ઘર, ફળીમાં નળ, દીકરા લાઇન સર એ દિશામાં પણ આપણે આગળ વધવું છે.
 
ભાઇઓ-બહેનો આપણે આવનારા દિવસોમાં હર કાથ કો કામ, હર ખેત કો પાણી દરેકને પોતાને કામ મળે. મુખ્ય મંત્રી એપ્રેન્ટીસશીપ યોજનામાં ૭૫ હજાર યુવાનોને આપણે સ્કીલ કર્યા છે. સાથે સાથે યુવાનો માટેના નોકરી માટેના પ્લેસમેન્ટ માટેના આપણે ભરતી મેળાઓ પણ કરીને લોકોને વધુને વધુ નોકરી મળે. સરકારમાં પણ છેલ્લા ત્રણ વર્ષમાં ૧.૫ લાખથી વધુ આપણે ભરતી પણ કરી છે, નોકરી પણ આપી છે.
 
ભાઇઓ-બહેનો, ગુજરાત તો પડકારો ઝીલતું આવ્યું છે. પૂર હોય, દુષ્કાળ હોય, વાયુ-વાવાઝોડું હોય કે પછી બનાસકાંઠા પૂરના મોટા સંકટો હોય ત્યારે પણ તંત્ર પ્રજાની સાથે ઉભું રહી અને પડકરોને અવસરમાં પલટવાનું આપણી ખુમારીને આપણે પ્રસ્તુત કરી છે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નયા ભારતનો જે સંકલ્પ કર્યો છે એમાં ગુજરાત લીડ લેશે અને આપણે આ ભારત માતા જગત જનની બને ગુજરાત એમાં આગળ હોય નયા ગુજરાતના સંકલ્પને પણ આપણે આ આઝાદીના પર્વમાં બનાવીએ. ‘‘એક ઔર સૂર્યા ઉગાના હૈ, અંબર સે ઊંચા જાના હૈ, નયા ભારત બનાના હૈ’’ અને આ રીતે આવનાર દિવસોમાં ભારત જે ક્રાંતિકારીઓએ આપણને આઝાદી અપાવી છે એમના લોહીની શહાદતના એક-એક બુંદ એની શહીદીને આપણે નમન કરીને એળે ન જાય. એમની જે કલ્પનાઓ અને સપનાઓ હતા એ મુજબનું ભારત શક્તિશાળી, સામર્થ્ય શાળી, સમૃદ્ધ ભારત એવું જ ગુજરાત એમાં ઉન્નત મસ્તકે, પ્રતિષ્ઠિત ગુજરાત, આગવું ગુજરાત, આપણું શાનદાર ગુજરાત બનાવવું છે અને આપણે સૌ હવે દેશના માટે જીવીને દેશના માટે કણકણ-ક્ષણક્ષણ સમર્પિત કરીને આપણે સૌ આગળ વધીશું એ જ આજના દિવસની આપ સૌને શુભેચ્છાઓ, શુભકામનાઓ. 
 
જય હિંદ, જય જય ગરવી ગુજરાત.... ભારત માતા કી જય....