શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 30 મે 2019 (09:56 IST)

સવર્ણોને 10 ટકા અનામતનો લાભ આ વર્ષથી જ મળશેઃ નીતિન પટેલ

ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગના લોકોને શિક્ષણ તેમજ નોકરીમાં 10 ટકા અનામત આપવાની જાહેરાત કરી અને સંસદમાં અને રાજયસભામાં કાયદો પસાર કરવામાં આવ્યો હતો. ભારત સરકારના આ કાયદાનો અમલ રાજ્યમાં 23 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. ચૂંટણીની આદર્શ આચાર સંહિતા સમાપ્ત થયા બાદ સરકાર દ્વારા આ કાયદાને લાગુ કરવામાં આવ્યો છે. 
આજે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી હતી કે આગામી સત્રથી રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજના મેડિકલ અને એન્જિનિયરીંગના ઉચ્ચ અભ્યાસમાં 10% EBCનો અમલ થશે.  23-1-2019ના રોજ સરકારે બિન અનામત જ્ઞાતિઓને આર્થિક અનામત આપવાનો કાયદો પસાર કર્યો અને તેને અમલમાં મૂકી દીધો છે અને સરકારી ભરતી ચાલે છે તેમાં 10 ટકા આર્થિક અનામતનો કાયદો અમલમાં મૂકી અને લાભ આપવાની શરૂઆત થઈ ગઈ છે. ”
તેમણે વધુમાં કહ્યું, “ધોરણ 12 અને અન્ય શૈક્ષણિક પરિણામો જાહેર થઈ ગયા છે. મેડિકલ એન્જિનિયરીંગ, આઈ.ટી. એન્જિનિયરીંગમાં પ્રવેશ પ્રક્રિયા ચાલુ થશે, ત્યારે આ પ્રક્રિયા ચાલુ થાય ત્યારે આર્થિક રીતે પછાત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને પ્રવેશ માટે ભારત સરકાર દ્વારા કેટલાક નોટિફિકેશન્સ જાહેર કરવામાં આવ્યા છે. આ નોટિફીકેશન્સ અંતર્ગત દરેક વિદ્યાર્થીને 10 ટકાનો આર્થિક અનાતમનો ક્વોટાનો લાભ નવી પ્રવેશ પ્રક્રિયામાં મળશે.”
નીતિન પટેલે જણાવ્યું હતું કે ત્રણ દિવસ પહેલાં મુખ્ય મંત્રી અને શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે મીટિંગ કરવામાં આવી અને ચર્ચા વિચારણા પછી રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને કેબિનેટમાં મળતી અનામતમાં ઘટાડો ન થાય તેને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ વ્યવસ્થા અને મિકેનિઝમ ગોઠવ્યું છે તેના દ્વારા 10 ટકા આર્થિક અનામત આપવામાં આવ્યો છે.
નીતિન પટેલે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે અમરેલીમાં સરકાર દ્વારા મેડિકલ કોલેજને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી કેન્દ્ર સરકારે આપી છે. અમેરલીમાં મેડિકલ કોલેજને મંજૂરી મળતા રાજ્યમાં મેડિકલના અભ્યાસક્રમની 150 બેઠકોમાં વધારો થશે. હવે રાજ્યમાં મેડિકલની 5264 બેઠકો થશે. નીતિન પટેલે જણાવ્યું હતું કે મોટાભાગની મેડિકલ કોલેજમાં 150 બેઠકોની ક્ષમતા હોય છે. હવે 10 ટકા સવર્ણ અનામત મળતા દરેક મેડિકલ કોલેજમાં આશરે 35 બેઠકોનો વધારો થશે. આમ આર્થિક રીતે નબળા સવર્ણોને અનામત મળવાથી વર્તમાન અનામતની ટકાવારીમાં કોઈ નુકસાન નહીં થાય