1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (09:59 IST)

એકસાઈઝ કર સહિતની જંગી આવક જતી કરીને પણ ગુજરાત દારૂબંધીને વરેલું રહેશે: નીતિન પટેલ

nitin patel
ગુજરાતમાં દારૂબંધીને લીધે સામાજિક સુરક્ષા,શાંતિ,સલામતી અને કાયદો વ્યવસ્થાની જાળવણીની ઉત્તમ પરિસ્થિતિ છે તેવી લાગણી વ્યક્ત કરતા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે,ભલે એક્સાઈઝ કર સહિતની ગમે તેટલી જંગી આવક જતી કરવી પડે ,અન્ય રાજ્યો ભલે દારૂબંધીમાં છૂટછાટથી જંગી કમાણી કરે,ગાંધી અને સરદારના સંસ્કાર વારસા જેવી દારૂબંધીને ગુજરાત વળગી રહેશે.
 
તેમણે જણાવ્યું કે દારૂબંધીનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને જે પોલીસ મથકના વિસ્તારમાંથી દારૂનો મોટો જથ્થો પકડાય તેવા કિસ્સાઓમાં સંબંધિત પોલીસ અધિકારીની બદલી અને ફરજ મોકૂફી જેવી શિક્ષાત્મક જોગવાઈ કરવામાં આવી છે.આખા દેશમાં ગુજરાત જ કર આવક ગુમાવવાની ચિંતા કર્યા વગર દારૂબંધીનો અમલ કરે છે.
 
ગૌ સેવા એ આપણા સહુના સંસ્કાર છે એવી લાગણી વ્યક્ત કરતાં નાયબ મુખ્યમંત્રી એ જણાવ્યું કે, અમે છેક જનસંઘના સમયથી ગૌરક્ષા માટે, ગૌ હત્યા પર પ્રતિબંધ માટે સંઘર્ષ કરતા આવ્યા છે.ગુજરાતીઓ ગૌ સેવા,ગૌ રક્ષા માટે કરોડોનું દાન કરતા આવ્યા છે.ગુજરાત સરકારે ગૌ સેવા અને સુરક્ષાની કાયદાકીય જોગવાઈ કરવાની સાથે ગૌ સંવર્ધનની યોજનાઓ અમલમાં મૂકી છે.ભારતીય સંસ્કૃતિ,હિન્દુ ધર્મમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે.
 
કોરોના સંકટ દરમિયાન રાજ્ય સરકારે ત્રણ વાર ગૌશાળાઓ અને પાંજરાપોળો ને ખાસ અનુદાન આપ્યા છે,બજારમાં થી બાર થી પંદર રૂપિયા કિલોના ભાવે ઘાસ ખરીદીને રૂ.૨ કિલોના સાવ નજીવા દરે પૂરું પાડ્યું છે.રામ મંદિર માટેનો સંઘર્ષ આજે સફળ થયો છે અને ભવ્ય રામમંદિર બની રહ્યું છે.ભારત માતા,રાષ્ટ્ર ધ્વજ,રાષ્ટ્રીય પ્રતીકોનું સહુએ ગૌરવ અનુભવવું જોઈએ.
 
તેમણે જણાવ્યું કે,હિન્દુ,મુસ્લિમ,ખ્રિસ્તી સહુ પોતાના ધર્મ માટે ગૌરવ અનુભવે એમાં કશું ખોટું નથી.પોતાની જ્ઞાતિ,સમાજ,ગામ, રાજ્ય,રાષ્ટ્ર માટે ગૌરવ અનુભવવાનો સહુને અધિકાર છે. એક પ્રશ્નના ઉત્તરમાં તેમણે જણાવ્યું કે,સહકારી સંસ્થાની કામગીરી પર નજર રાખવાનો સભાસદો,પ્રશ્નો પૂછવાનો અધિકાર છે.ગેરરીતિ જણાય ત્યાં રાજ્ય સરકાર સહકાર વિભાગ દ્વારા તપાસ કરાવે છે.આંતરિક અને સહકાર વિભાગ દ્વારા ઓડીટની જોગવાઈ છે.