સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , ગુરુવાર, 25 મે 2023 (15:28 IST)

સોરાષ્ટ્ર-કચ્છ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 28 અને 29 મેએ વરસાદની આગાહી, દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે

delhi rain
માછીમારોને 3 દિવસ દરિયો ન ખેડવાની સૂચના
 
આજથી રાજ્યમાં 2થી 3 ડિગ્રી તાપમાન ઘટશે
 
 ગુજરાતમાં ગરમીને લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. અમદાવાદ સહિતના શહેરોમાં 43 ડિગ્રી કરતા વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. ગરમીને કારણે લોકોને લૂ લાગવાના બનાવો પણ નોંધાઈ રહ્યાં છે. હવે હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આજથી ગરમીથી રાહત મળશે. શુક્રવારે ભારે પવન ફૂંકાય તેવી પણ આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જૂનના પ્રથમ સપ્તાહમાં વાવાઝોડાની આગાહી કરી છે. અરબ સાગરમાં સક્રિય થઈ શકે છે વાવાઝોડુ જેના કારણે સૌરાષ્ટ્રમાં વરસાદ થઈ શકે છે. 
 
28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવના
હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આજથી ગરમીથી લોકોને રાહત મળી શકે છે. તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થશે. બીજી બાજુ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી 28 અને 29મી મેના રોજ વરસાદ થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, વડોદરા, આણંદ અને ભરૂચમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 
 
સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે
દરિયામાં સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી દરિયાકાંઠે તથા આસપાસના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. દરિયામાં માછીમારી કરવા જનારા માછીમારોને પણ ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક  હવામાન વિભાગ પ્રમાણે સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં પવન ફૂંકાઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે રાજ્યના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે આ માટે એલર્ટ પણ આપવામાં આવ્યું છે. 26 મેના રોજ ગુજરાતમાં 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાશે.
 
40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે
દેશના કેટલા રાજ્યમાં હવામાન વિભાગે ગાજવીજ સાથે વરસાદનું પણ એલર્ટ જારી કર્યું છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળશે. હિમાચલમાં આંધી કરાવૃષ્ટિ અને ભારે પવન ફૂંકાવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલય ક્ષેત્રના હવામાનમાં પલટો આવ્યો છે. આજ રાજસ્થાનમાં પણ ધૂળભરી આંધી ફૂંકાઈ શકે છે, જ્યારે દિલ્હી સહિત ઉત્તર ભારતમાં હળવાથી મધ્યમ વરસાદથી સંભાવના છે. આ દરમિયાન 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.