રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (12:23 IST)

વાલીઓ ચેતી જજો હવે સુરતના ભટારમાં સગીરાને ઘરે ટ્યુશન આપતા શિક્ષકે ‘આઇ લવ યુ’ કહ્યું

સુરત શહેરમાં છેડતીના 3 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. જેમાં લિંબાયતમાં 7 વર્ષની બાળકીને સ્કુલની વર્દી મારતા રિક્ષાચાલકે અડપલા કર્યા હતા. જ્યારે ખટોદરામાં 14 વર્ષની સગીરાને ઘરે ટયુશન કરાવવા આવતા શિક્ષકે છેડતી કરી ‘આઇ લવ યુ’ કહ્યું હતું. આ ઉપરાંત સરથાણામાં પાડોશીએ પરિણીતાની છેડતી કર્યાની ઘટના બની હતી.લિંબાયતમાં 7 વર્ષની બાળકીને સ્કુલ રિક્ષાચાલક 16મીએ સવારે રજા હોવા છતાં સ્કુલ ચાલુ હોવાનું કહી ઘરેથી લઈ ગયો હતો.

બાળકી એકલી હતી ત્યારે તેણે રિક્ષા ઊભી રાખી પાછળની સીટ પર બેસી ગયો અને પડદા પાડી બાળકીને ખોળામાં બેસાડી અડપલા કર્યા હતા. બાળકી રડવા લાગતા તેણે બીજી રીક્ષામાં ઘરે મોકલી હતી. પરિવારની ફરિયાદ બાદ પોલીસે હવસખોર રિક્ષાચાલક મહેશ ખડગી (રહે, મહાદેવનગર,લિંબાયત) સામે ગુનો નોંધ્યો છે. હાલમાં રિક્ષાચાલક ફરાર છે

ભટારની 14 વર્ષીય વિદ્યાર્થિનીને ટયુશન આપવા આસીફ સરસવાલા ઘરે આવતો હતો. 15મીએ સવારે સગીરા રૂમમાં એકલી હતી ત્યારે શિક્ષકે તેના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવ્યા હતા અને આઈ લવ યુ કહી ચાલી ગયો હતો. બાદમાં વિદ્યાર્થિનીએ તેની માતાને વાત કરતા માતાએ આસીફ સમીમ સરસવાલા (39) (રહે, ઝમઝમ પાર્ક, લુહાર શેરી, સગરામપુરા) સામે ફરિયાદ નોંધાવી છે. હવસખોર શિક્ષક ડુમસ રોડની જાણીતી અંગ્રેજી સ્કુલમાં શિક્ષક છે અને 3 સંતાનોના પિતા છે.

સરથાણામાં રહેતી એક યુવા પરિણીતાને તેની પડોશમાં રહેતા યુવકે છેડતી કરી હતી, જેમાં યુવકે બિભત્સ માંગણી કરી પરિણીતાને નિર્વસ્ત્ર કરવાના ઈરાદે કપડાં ખેંચી માર માર્યો હતો અને ફોન નહીં કરે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આથી 30 વર્ષીય પરિણીતાએ સરથાણા પોલીસ મથકમાં આરોપી પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે 28 વર્ષીય પડોશી નિકુંજ સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.