ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (18:54 IST)

અમે નવા છીએ ભૂલો થશે, લાફો ન મારતા પણ શીખવજો - સીએમ ભૂપેન્દ્ર પટેલ

ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત ભરૂચ ખાતે આવ્યા હતા ભરૂચમાં તેમનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. ભરૂચના સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કેર હેઠળ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેનું લોકાર્પણ આજે રાજ્યના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું.  સિવિલ હોસ્પિટલ ખાતે પ્લાન્ટનું લોકાર્પણ કર્યા બાદ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉત્તરાખંડ ખાતેથી કરાયેલા લોકાર્પણ કાર્યક્રમને લોકોએ માણ્યો હતો.
 
મુખ્યમંત્રીએ આજે પ્રજા સામે પોતાના જાહેર વક્તવ્યમાં જે સાંભળીને દરેક કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા. તેમણે અહી જણાવ્યું હતું કે અમારી સરકાર અને મંત્રી મંડળ નવાં છે. અમારી ભૂલો થઈ શકે છે અમને લાફો ન મારતા, પણ શીખવજો, અમે શીખીશું. અમારું મંત્રીમંડળ નવું છે, એટલે થોડો ઉત્સાહ પણ હોય, પણ મને વિશ્વાસ છે કે તમે લાફો નહીં મારો, અમને શીખવશો અને અમે શીખીશું. અમારી શરૂઆત છે. અમારા પહેલાંના મિત્રોએ એક લેવલ સુધી ગુજરાતને પહોંચાડ્યું એની વાહાવાહી છે, સાથે જ નર્મદા જિલ્લામાં શરૂ થયેલા નોધારાનો આધાર હેઠળ ભિક્ષુકોને પણ આત્મસન્માન સાથે જીવવાના સરકારના પ્રોજેકટને રાજ્યના તમામ જિલ્લામાં આગામી સમયમાં અમલી બનાવવાની માહિતી તેમણે આપી હતી.
 
કાર્યક્રમ અંતર્ગત કોરોના વોરિયર્સનું સન્માન કરાયું હતું. જે ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું છે તેવાં ગામોના સરપંચનું સન્માન અને અંકલેશ્વર રેવન્યુ ક્વાર્ટરનું ઇ-લોકાર્પણ કર્યું હતું. કાર્યક્રમમાં ઉપદંડક ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, સાંસદ મનસુખ વસાવા, અંકેલશ્વર ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, પાલિકા પ્રમુખ અમિત ચાવડા , જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, ઇન્ચાર્જ કલેકટર યોગેશ ચૌધરી, પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.