રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 2 ઑક્ટોબર 2018 (12:22 IST)

હાર્દિક ફરીથી ઉપવાસ પર બેઠો, મોરબીમાં પ્રતિક ઉપવાસ શરુ

અમદાવાદમાં 19 દિવસના ઉપવાસ આંદોલન પછી હાર્દિક પટેલ ફરી મેદાને આવ્યો છે. આજે ગાંધી જયંતિથી હાર્દિક પટેલે ફરી પ્રતિક ઉપવાસનું બ્યુગલ ફુંક્યું છે. મોરબી જિલ્લાના બગથળા ગામેથી હાર્દિક પટેલે પ્રતિક ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. આજે સવારના 10થી સાંજે 5 વાગ્યા સુધી પ્રતિક ઉપવાસ કરશે અને બાદમાં જાહેર સભાને સંબોધશે. હાર્દિકે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, હું પૂજ્ય બાપુના ચિંધ્યા માર્ગે ચાલવાનો પ્રયાસ કરીશ.

મોરબીના બગથળા ગામે આજે હાર્દિક પટેલ દ્વારા 10 વાગ્યાથી પ્રતિક ઉપવાસ આંદોલન કરી રહ્યો છે. પ્રતિક ઉપવાસમાં મોટી સંખ્યામાં સૌરાષ્ટ્રભરના લોકો ઉમટી પડ્યા છે. સાથોસાથ કનુ કલસરીયા પણ ઉપસ્થિત રહ્યા છે. સ્ટેજ પર પાસના કન્વીનરો પણ જોડાયા છે.આ અંગે હાર્દિકે ટ્વિટ કરીને લખ્યું છે કે, પૂજ્ય મહાત્મા ગાંધીની જન્મ જયંતિ, બીજી ઓક્ટોબરથી મોરબીમાં સામાજિક ન્યાય અને ખેડૂતોની દેવામાફીની માંગણી સાથે એક દિવસનો ધરણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતના મુખ્ય 28 જિલ્લા અને 150થી વધારે તાલુકાઓમાં આ કાર્યક્રમ થશે. ગામડે ગામડે લોકક્રાંતિનું આહવાન થશે. હાર્દિક પટેલ ગઇકાલે રાત્રે જ મોરબીના નવાગામે આવ્યો હતો અને અહીં રાત્રિ રોકાણ કર્યું હતું.