રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 એપ્રિલ 2021 (17:12 IST)

ગુજરાતી યુવાનોને વેક્સીન માટે જોવી પડી શકે છે રાહ, હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતાઓ નહિવત

ગુજરાતમાં 1મેથી શરૂ થનાર વેક્સીનેશન માટે રજિસ્ટ્રેશન શરૂ થઇ ગયું પરંતુ આ દરમિયાન હાલમાં ગુજરાતમાં રસીકરણનો કાર્યક્રમ અટકી શકે એવી માહિતી પ્રાપ્ત થઇ છે. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર હાલમાં 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન નહી મળે. કારણ કે હાલ રસીનો જથ્થો ઉપલબ્ધ થાય તેવી શક્યતાઓ નહિવત જોવા મળી રહી છે. તેથી રજિસ્ટ્રેશન થયેલા લોકોને જથ્થો આવ્યા પછી એપોઇમેંટ આપવામાં આવશે.  
 
આરોગ્ય વિભાગના સૂત્ર દ્વારા આ માહિતી મળી છે કે, કેન્દ્રમાથી ગુજરાતને વેક્સીનનો જે જથ્થો મોકલવાનો હતો, તે હજી આવ્યો નથી. તેથી ગુજરાતમાં 1 તારીખથી 18 થી વધુની ઉંમરના માટે વેક્સીનેશન શરૂ નહિ થઈ શકે. ફરીથી વેક્સીનેશન ક્યારે શરૂ થશે તે અંગે જલ્દી જ આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં પણ આવશે. જોકે, હાલ રજિસ્ટ્રેશનની પ્રોસેસ તો ચાલુ જ રહેશે.
 
અત્રે નોંધનીય છે કે હાલ 45 વર્ષથી ઉપરના લોકોનુ વેક્સીનેશન ચાલુ રહેશે. ગુજરાત સરકાર વેક્સીનેશન માટે કટિબદ્ધ છે. તેથી વહેલામાં વહેલી તકે વેક્સીન આવતા 18 થી વધુની ઉંમરના લોકો માટે વેક્સીનેશન ફરીથી શરૂ થઈ જશે.
 
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 95,64,559 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 21,93,303 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,17,57,862 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 47,432 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 75,571 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી.