સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: રવિવાર, 28 ઑગસ્ટ 2022 (11:21 IST)

PM મોદીએ સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે આપી આ સિરિયલ જોવાની સલાહ

modi gujarat
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ ખાતે ખાદી ઉત્સવમાં સહભાગી થયા હતા. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સાંસદ સી.આર.પાટીલ, રાજય મંત્રી હર્ષ સંઘવી અને જગદીશ પંચાલ, અમદાવાદના મેયર કિરીટભાઇ પરમાર તથા કેવીઆઇસીના ચેરમેન મનોજકુમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
 
અહીં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા પ્રધાનમંત્રીએ ચરખા સાથેનાં પોતાનાં વ્યક્તિગત જોડાણને યાદ કર્યું હતું અને તેમનાં માતા ચરખા પર કામ કરતાં હતાં ત્યારે તેમનાં બાળપણને યાદ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, "સાબરમતીનો કિનારો આજે ધન્ય બન્યો છે, કારણ કે આઝાદીનાં 75 વર્ષનાં પ્રસંગે 7,500 બહેનો અને બેટીઓએ સાથે મળીને રેંટિયા પર સૂતર કાંતીને ઇતિહાસ રચ્યો છે." તેમણે ઉમેર્યું કે ચરખો કાંતવો એ પૂજાથી ઓછું નથી.
 
તેમણે આજે જે 'અટલ બ્રિજ'નું ઉદઘાટન કર્યું હતું, તેની ટેકનોલોજી અને ડિઝાઇન ઉત્કૃષ્ટતાની તેમણે નોંધ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, “આ પુલ એ શ્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ છે, જેમને ગુજરાતનાં લોકો હંમેશા પ્રેમ અને આદરણીય માનતા હતા. અટલ બ્રિજ માત્ર સાબરમતી નદીના બે કિનારાને જ નથી જોડતો, પરંતુ તેની ડિઝાઇન અને ઇનોવેશનમાં પણ અભૂતપૂર્વ છે. ગુજરાતના પ્રખ્યાત પતંગોત્સવની પણ તેની ડિઝાઇનમાં કાળજી લેવામાં આવી છે,” એમ તેમણે જણાવ્યું હતું. 
 
નરેન્દ્ર મોદીએ ભારતમાં જે ઉત્સાહ સાથે હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી તેની નોંધ પણ લીધી હતી. તેમણે કહ્યું હતું કે, અહીંની ઉજવણી માત્ર દેશભક્તિની ભાવનાને જ પ્રતિબિંબિત કરતી નથી, પણ આધુનિક અને વિકસિત ભારત માટેના સંકલ્પને પણ પ્રતિબિંબિત કરે છે. તેમણે ઉમેર્યું હતું કે, "ચરખા પર સૂતર કાંતતી વખતે તમારા હાથ ભારતનાં ભવિષ્યના તાણાવાણાંને વણી રહ્યા છે."
 
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ઇતિહાસ સાક્ષી છે કે ખાદીનો દોરો આઝાદીની ચળવળનું બળ બન્યો, તેણે ગુલામીની સાંકળો તોડી નાખી." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ખાદીનો આ જ તંતુ વિકસિત ભારતનાં વચનોને પૂર્ણ કરવા પ્રેરણાનો સ્ત્રોત બની શકે છે અને એ રીતે આત્મનિર્ભર ભારતનાં સ્વપ્નને સાકાર કરી શકે છે. તેમણે કહ્યું હતું કે, "ખાદી જેવી પરંપરાગત તાકાત આપણને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે." તેમણે ઉમેર્યું હતું કે, આ ખાદી ઉત્સવ આઝાદીની ચળવળના જુસ્સા અને ઇતિહાસને પુનર્જીવિત કરવાનો પ્રયાસ છે તથા નવા ભારતનાં સંકલ્પોને પ્રાપ્ત કરવાની પ્રેરણા છે.
 
તેમણે તેમનાં પંચ-પ્રાણને યાદ કર્યા હતાં, જેની જાહેરાત તેમણે 15 ઑગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી કરી હતી. "આ પવિત્ર સ્થળે, સાબરમતીના કિનારે, હું પંચ-પ્રણનું પુનરાવર્તન કરવા માગું છું. પ્રથમ - દેશની સામે મહાન લક્ષ્ય, વિકસિત ભારત બનાવવાનું લક્ષ્ય. બીજું - ગુલામીની માનસિકતાનો સંપૂર્ણ ત્યાગ. ત્રીજું - આપણા વારસા પર ગર્વ લેવો, ચોથું - રાષ્ટ્રની એકતા વધારવા માટે મજબૂત પ્રયત્નો કરવા, અને પાંચમી પ્રતિજ્ઞા - નાગરિક ફરજ. તેમણે કહ્યું હતું કે, આજનો ખાદી ઉત્સવ 'પંચ પ્રણ'નું સુંદર પ્રતિબિંબ છે.
 
પ્રધાનમંત્રી આઝાદી પછીના સમયમાં ખાદીની ઉપેક્ષા પર વિસ્તારથી બોલ્યા હતા. "આઝાદીની ચળવળના સમયે ગાંધીજીએ જે ખાદીને દેશના સ્વાભિમાનનું પ્રતીક બનાવ્યું હતું, તેમાં આઝાદી પછી લઘુતાગ્રંથિ નો સંચાર થયો હતો. આ કારણે ખાદી અને ખાદી સાથે જોડાયેલ ગ્રામોદ્યોગ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ખાદીની આ સ્થિતિ ખાસ કરીને ગુજરાત માટે ખૂબ જ પીડાદાયક હતી." ખાદીને પુનર્જીવિત કરવાનું કાર્ય ગુજરાતની ભૂમિ પર થયું તેનો તેમણે ગર્વ વ્યક્ત કર્યો હતો. 
 
પ્રધાનમંત્રીએ સરકાર દ્વારા ‘ખાદી ફોર ટ્રાન્સફોર્મેશન’થી લઈ 'ખાદી ફોર નેશન, ખાદી ફોર ફેશન'ની પ્રતિજ્ઞા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું, "અમે ગુજરાતની સફળતાના અનુભવોને દેશભરમાં ફેલાવવાનું શરૂ કર્યું." દેશભરમાં ખાદીને લગતી જે સમસ્યાઓ હતી તેનું નિરાકરણ લાવવામાં આવ્યું. અમે દેશવાસીઓને ખાદીનાં ઉત્પાદનો ખરીદવા માટે પ્રોત્સાહિત કર્યા. પ્રધાનમંત્રીએ ખાદીને પુનર્જીવિત કરવાની પ્રક્રિયામાં મહિલાઓનાં યોગદાનને પણ બિરદાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "ભારતના ખાદી ઉદ્યોગની વધતી જતી તાકાતમાં નારી શક્તિનો પણ મોટો ફાળો છે. 
 
ઉદ્યોગસાહસિકતાની ભાવના આપણી બહેનો અને બેટીઓમાં વણાયેલી છે. તેનો પુરાવો એ છે કે, ગુજરાતમાં સખી મંડળોનું વિસ્તરણ પણ થયું છે." એમ તેમણે ઉમેર્યું હતું. તેમણે માહિતી આપી હતી કે, છેલ્લાં 8 વર્ષમાં ખાદીનું વેચાણ ચાર ગણું વધ્યું છે અને પ્રથમ વખત ખાદી અને ગ્રામોદ્યોગનું ટર્નઓવર એક લાખ કરોડને વટાવી ગયું છે. આ ક્ષેત્રે ૧.૭૫ કરોડ નવી નોકરીઓ પણ બનાવી છે.  તેમણે કહ્યું હતું કે, મુદ્રા યોજના જેવી નાણાકીય સર્વસમાવેશક યોજનાઓ ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપી રહી છે.
 
ખાદીના ફાયદાઓ પર પ્રકાશ પાડતા પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, આ ટકાઉ વસ્ત્રો, પર્યાવરણને અનુકૂળ વસ્ત્રોનું ઉદાહરણ છે અને તેમાં સૌથી ઓછો કાર્બન ફૂટપ્રિન્ટ છે. ઘણા દેશો એવા છે જ્યાં તાપમાન વધારે છે, ખાદી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલે ખાદી વૈશ્વિક સ્તરે બહુ મોટી ભૂમિકા ભજવી શકે તેમ છે. તેમણે કહ્યું કે આ વૈશ્વિક સ્તરે મૂળભૂત અને ટકાઉ જીવનના વધતા વલણ સાથે સુસંગત છે.
 
પ્રધાનમંત્રીએ દેશની જનતાને અપીલ કરી હતી કે, તેઓ આગામી તહેવારોનાં ગાળામાં ખાદી ગ્રામોદ્યોગમાં નિર્મિત ઉત્પાદનો જ ભેટમાં આપે. "તમે વિવિધ પ્રકારનાં કાપડમાંથી બનેલા કપડાં લઈ શકો છો. પરંતુ જો તમે તેમાં ખાદીને સ્થાન આપશો, તો વોકલ ફોર લોકલ અભિયાન વેગ પકડશે" એમ તેમણે કહ્યું.
 
પાછલા દાયકાઓમાં વિદેશી રમકડાંની દોડમાં ભારતનો પોતાનો સમૃદ્ધ રમકડાં ઉદ્યોગ નાશ પામી રહ્યો છે એ બાબતને યાદ કરીને પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકારનાં પ્રયાસો અને રમકડાં ઉદ્યોગ સાથે સંકળાયેલા આપણાં ભાઈઓ અને બહેનોની મહેનતને કારણે હવે સ્થિતિ બદલવાની શરૂઆત થઈ છે. જેના કારણે રમકડાંની આયાતમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
 
પ્રધાનમંત્રીએ લોકોને દૂરદર્શન પર 'સ્વરાજ' સિરિયલ જોવા પણ જણાવ્યું હતું. આ સિરિયલમાં મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓની વાર્તા અને તેમના સંઘર્ષને ખૂબ જ વિગતવાર દર્શાવવામાં આવ્યો છે. આપણી સ્વતંત્રતા માટે આપણા પૂર્વજોનાં બલિદાન વિશે સમજવા અને જાણવા માટે પરિવારોએ આ શ્રેણી જોવી જોઈએ.