ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 10 જૂન 2022 (09:08 IST)

PM Modi આજે ગુજરાતની મુલાકાતે, આપશે 3050 કરોડ રૂપિયાના પ્રોજેક્ટની ભેટ, જાણો કાર્યક્રમ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10મી જૂને ગુજરાતની મુલાકાત લેશે. સવારે લગભગ 10:15 વાગ્યે, પ્રધાનમંત્રી નવસારીમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન’ દરમિયાન બહુવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. લગભગ બપોરે 12:15 કલાકે, તેઓ નવસારીમાં એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 3:45 કલાકે, તેઓ અમદાવાદના બોપલ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર (IN-SPACE)નાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે.
 
પ્રધાનમંત્રી નવસારીમાં
પ્રધાનમંત્રી 'ગુજરાત ગૌરવ અભિયાન' નામના કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ દરમિયાન, તેઓ નવસારીના આદિવાસી પ્રદેશ ખુડવેલ ખાતે આશરે ₹ 3050 કરોડની વિવિધ વિકાસ પહેલનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે, જેમાં 7 પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન, 12 પ્રોજેક્ટ્સ માટે શિલાન્યાસ અને 14 પ્રોજેક્ટનું ભૂમિપૂજન સામેલ છે. આ પ્રોજેક્ટ્સ આ પ્રદેશમાં પાણી પુરવઠાને સુધારવામાં મદદ કરશે, સાથે કનેક્ટિવિટી વધારવા અને જીવનની સરળતા વધારવામાં મદદ કરશે.
 
પ્રધાનમંત્રી તાપી, નવસારી અને સુરત જિલ્લાના રહેવાસીઓ માટે ₹ 961 કરોડની 13 પાણી પુરવઠા યોજનાઓનું ભૂમિપૂજન કરશે. તેઓ નવસારી જિલ્લામાં લગભગ ₹ 542 કરોડના ખર્ચે નિર્માણ થનારી મેડિકલ કોલેજનું ભૂમિપૂજન પણ કરશે, જે આ પ્રદેશના લોકોને સસ્તી અને ગુણવત્તાયુક્ત તબીબી સંભાળ પૂરી પાડવામાં મદદ કરશે.
 
પ્રધાનમંત્રી લગભગ ₹ 586 કરોડના ખર્ચે બનેલ મધુબન ડેમ આધારિત અસ્ટોલ પ્રાદેશિક પાણી પુરવઠા યોજનાનું ઉદ્ઘાટન કરશે. તે પાણી પુરવઠાના ઈજનેરી કૌશલ્યોની એક અજાયબી છે. તેમજ ₹ 163 કરોડના ‘નલ સે જલ’ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સ સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું સલામત અને પૂરતું પાણી પૂરું પાડશે.
 
પ્રધાનમંત્રી તાપી જિલ્લાના રહેવાસીઓને વીજળી પૂરી પાડવા માટે ₹ 85 કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવેલા વીરપુર વ્યારા સબસ્ટેશનનું ઉદ્ઘાટન કરશે. વલસાડ જિલ્લાના વાપી શહેરમાં ગંદા પાણીનાં શુદ્ધિકરણની સુવિધા માટે ₹ 20 કરોડના મૂલ્યના 14 MLDની ક્ષમતાવાળા સુએઝ  ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે. પ્રધાનમંત્રી નવસારીમાં ₹ 21 કરોડથી વધુના ખર્ચે બનેલા સરકારી ક્વાર્ટર્સનું ઉદ્ઘાટન કરશે. તેઓ પિપલાઈદેવી-જુનેર-ચિચવિહિર-પીપલદહાડથી બાંધવામાં આવેલા રસ્તાઓ અને ડાંગમાં લગભગ દરેક ₹ 12 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી શાળાની ઇમારતોનું પણ ઉદ્ઘાટન કરશે.
 
પ્રધાનમંત્રી સુરત, નવસારી, વલસાડ અને તાપી જિલ્લાના રહેવાસીઓને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવા માટે ₹ 549 કરોડની 8 પાણી પુરવઠા યોજનાઓનો શિલાન્યાસ કરશે. નવસારી જિલ્લામાં ₹ 33 કરોડના ખર્ચે તૈયાર થનારા ખેરગામ અને પીપલખેડને જોડતા પહોળા રસ્તાનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. નવસારીથી બારડોલી વાયા સુપા વચ્ચે આશરે ₹ 27 કરોડના ખર્ચે વધુ એક ચાર માર્ગીય રોડ બનાવવામાં આવશે. પ્રધાનમંત્રી અનુક્રમે ₹ 28 કરોડ અને ₹ 10 કરોડના ખર્ચે જિલ્લા પંચાયત ભવનનાં નિર્માણ માટે અને ડાંગમાં રોલર ક્રેશ બેરિયર પૂરા પાડવા અને ફિક્સ કરવા માટે શિલાન્યાસ પણ કરશે.
 
પ્રધાનમંત્રી એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષ ખાતે
પ્રધાનમંત્રી નવસારીમાં એ. એમ. નાયક હૅલ્થકેર કોમ્પ્લેક્ષ અને નિરાલી મલ્ટી સ્પેશિયાલિટી હૉસ્પિટલનું ઉદઘાટન કરશે. તેઓ હૅલ્થકેર કોમ્પ્લેક્સ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમમાં પણ હાજરી આપશે, જ્યાં તેઓ ખારેલ શિક્ષણ સંકુલનું વર્ચ્યુઅલ રીતે ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ આ પ્રસંગે તેમનું સંબોધન થશે.
 
પ્રધાનમંત્રી IN-SPACe વડા મથકે
પ્રધાનમંત્રી બોપલ, અમદાવાદ ખાતે ભારતીય રાષ્ટ્રીય અવકાશ પ્રમોશન અને અધિકૃતતા કેન્દ્ર (IN-SPACe)નાં મુખ્યાલયનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમ સ્પેસ આધારિત એપ્લિકેશન્સ અને સેવાઓનાં ક્ષેત્રમાં કામ કરતી IN-SPACe અને ખાનગી ક્ષેત્રની કંપનીઓ વચ્ચે એમઓયુની આપ-લેનું પણ સાક્ષી બનશે. અવકાશ ક્ષેત્રમાં ખાનગી સંસ્થાઓને પ્રોત્સાહન અને સક્ષમ કરવાથી અવકાશ ક્ષેત્રને મોટો ટેકો મળશે અને ભારતના પ્રતિભાશાળી યુવાનો માટે તકોના નવા દ્વાર ખુલશે.
 
IN-SPACe ની સ્થાપનાની જાહેરાત જૂન 2020માં કરવામાં આવી હતી. તે સરકારી અને ખાનગી બંને સંસ્થાઓની અવકાશ પ્રવૃત્તિઓના પ્રચાર, પ્રોત્સાહન અને નિયમન માટે અવકાશ વિભાગમાં એક સ્વાયત્ત અને સિંગલ વિન્ડો નોડલ એજન્સી છે. તે ખાનગી સંસ્થાઓ દ્વારા ISRO સુવિધાઓના ઉપયોગની પણ સુવિધા આપે છે.