1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 6 જાન્યુઆરી 2020 (17:17 IST)

પોરંબદરમાં ભાજપના સાંસદે આરોગ્ય મંત્રીને પત્ર લખી એમ્બ્યુલન્સની માંગણી કરી

રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર બાદ ગુજરાતમાં પણ બાળકોના મૃત્યુ ના આંકડા ધીરે ધીરે સામે આવી રહ્યા છે. ત્યારે ગત ડિસેમ્બર માસમાં રાજકોટ અને અમદાવાદ ન્યૂ સિવિલ હોસ્પિટલમાં 258 જેટલા બાળકોના સારવાર દરમિયાન મૃત્યુ નિપજયા છે. રાજકોટ ની વાત કરીએ તો માત્ર રાજકોટમાં જ ડિસેમ્બર મહિનામાં ૧૧૧ જેટલા બાળકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. ખુદ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ પણ ગઈકાલે વડોદરામાં આ સમગ્ર મામલે કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું. દરમિયાન મેડિકલ સુવિધાના અભાવે કફોડી સ્થિતિનો સામનો કરી રહેલા પોરબંદરના માધવપુર ઘેડને તાત્કાલિક એમ્બ્યુલન્સ ફાળવવા માટે સાંસદ ધડૂક મેદાન પડ્યા છે. સાંસદે આરોગ્ય મંત્રીને પત્ર લખી તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સની માંગણી કરી છે. એક તરફ નવજાતોના મોતનો મામલો ગરમાયો છે ત્યારે મહિને 30-40 પ્રસુતિ થતી હોય તેવા વિસ્તારમાં એમ્બ્યુલન્સ સેવા ન હોવાથી સાંસદે મામલો સરકાર સુધી પહોંચાડ્યો છે. દરમિયાન આજે  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા સહિતનાઓએ રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી તો સાથે જ બાળકોને તેમજ તેની માતાને કયા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે તે સમગ્ર મામલે જાંચ પડતાલ પણ કરી હતી. ખુદ રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ મનીષ મહેતા પણ મીડિયા સમક્ષ કબૂલી ચૂક્યા છે રાજકોટની ચિલ્ડ્રન હોસ્પિટલમાં જરૂરિયાત કરતા સ્ટાફની ઘટ છે. સમગ્ર મામલે કોંગ્રેસ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે તો સાથોસાથ તંત્રની ભૂલ પણ સરકારની સામે રજૂ કરે છે તેવામાં ખુદ હવે ભારતીય જનતા પાર્ટીના સાંસદ જ તંત્રની ભૂલ રાજ્ય સરકાર સમક્ષ દર્શાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના સાંસદ રમેશભાઈ ધડુક એ પોતાના મતવિસ્તાર માં એમ્બ્યુલન્સની સેવા ખોરવાઈ હોવાનો પત્ર ખુદ રાજ્યના આરોગ્ય મંત્રીને લખ્યો છે. પોરબંદરના સાંસદ એવા રમેશભાઈ ધડુક એ રાજ્યના આરોગ્ય મંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી એવા નિતિનભાઈ પટેલને પત્ર લખી જણાવ્યું છે કે તેમના મત વિસ્તાર એવા માધવપુર ઘેડમાં કે જ્યાં લોકપ્રિય એવું રૂક્ષ્મણી મંદિર પણ આવેલું છે તે જગ્યાએ કોઈ પણ જાતની એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ નથી. માધવપુર ઘેડ વિસ્તારના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર મહિને ૩૦ થી ૪૦ જેટલી મહિલાઓની પ્રસ્તુતિઓ થાય છે તો સાથે જ 300થી વધુ નાના મોટા ઈમરજન્સી સેવાઓ કામ પડે છે તેવામાં માધવપુર ઘેડ થી વધુ સારવાર અર્થે જુનાગઢ તબદીલ કરવા માટે દર્દીઓ માટે એક પણ એમ્બ્યુલન્સ સેવા ઉપલબ્ધ ન હોવાનું ખુદ સાંસદે પોતાના પત્રમાં જણાવ્યું છે.  તો સાથે જ સાંસદે પોતાના પત્રમાં તાત્કાલિક અસરથી એમ્બ્યુલન્સ સેવા ફાળવવા રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલને રજૂઆત પણ કરી છે.