શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 22 જુલાઈ 2017 (14:38 IST)

Rain in Ahmedabad photo - 5 ઈંચ વરસાદમાં અમદાવાદ જળબંબાકાર, સીએમ રૂપાણી કંટ્રોલ રૂમ દોડી ગયા, અમદાવાદ સહિત 10 સ્ટેટ હાઈવે બંધ

મધ્યપ્રદેશ અને કચ્છમાં લો પ્રેશરની સાથે અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સર્જાયું છે. જેને કારણે આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં હળાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની વકી છે. ખાસ કરીને રાજ્યનાં દરિયાકાંઠાનાં વિસ્તારોમાં પવન સાથે ભારેથી અતિભારે તેમજ અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

22મી જુલાઇનાં રોજ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.શુક્રવારે રાજકોટમાં ભાર મેઘાડંબર વચ્ચે હળવા-ભારે ઝાપટાં વરસતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રે વરસાદનું જોર વધ્યું હતું. રાતભર વરસેલા વરસાદ સવારે પણ સતત ચાલુ રહ્યો હતો.બપોર સુધીમાં શહેરમાં 3 ઈંચ વરસાદ ખાબકી ગયો હતો જેના કારણે શહેરના માર્ગો પર વરસાદના પાણી ફરી વળ્યા હતા.

જસદણના રામળિયા ગામે પાણીમાં ફસાયેલા બે વ્યક્તિ પૈકી પુત્રનો બચાવ થયો હતો. જ્યારે પિતાનું મોત નિપજ્યું હતું. જિલ્લા કલેક્ટરે સ્કૂલ- કોલેજમાં રજા જાહેર કરી હતી હતી. જ્યારે જિલ્લામાં કુલ 16 રેસ્ક્યુ ઓપરેશન કરી 700 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

જસદણ પંથકમાં અત્યાર સુધીમાં 11 ઇંચ અને શહેરમાં 8 ઇંચ વરસાદ નોંધાયો છે. ગોતા વસંતનગરમાં ધાબુ સાફ કરવા જતાં ઇલેક્ટ્રિક તારમાં ચોંટી જતાં આધેડનું મોત થયું છે. રતનસિંહ નામના વ્યક્તિનું કરન્ટ લાગતા મોત નિપજ્યું છે. શહેરમાં પાણી ભરાતાં મોટા ભાગની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે.

ભારે વરસાદને પગલે વાસણા ડેમના ત્રણ દરવાજા દોઢ ફૂટ સુધી ખોલાયા છે. નરોડા, બાપુનગર, અમરાઈવાડી, રામોલ, હાટકેશ્વર, રખિયાલ, અને ગોમતીપુર સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. સમગ્ર અમરેલી જિલ્લાને આજે મેઘરાજાએ અપાર હેત વરસાવી તરબોળ કરી દીધો હતો.

ખેડૂતો સાર્વત્રિક વરસાદની રાહ જોતા હતા તેવા સમયે જ અનરાધાર મેઘસવારી આવી પહોંચી હતી. બપોરબાદ જાણે બારેમેઘ ખાંગા થયા હતા.

અમરેલી શહેરમા ત્રણ કલાકમા જ ધોધમાર પાંચ ઇંચ વરસાદ ખાબકી જતા બજારોમા પાણી વહ્યાં હતા. ઉપરવાસના વરસાદને પગલે ઠેબી ડેમમા પાણીની આવક શરૂ થઇ હતી.

કામનાથ ડેમમા પણ પાણી આવ્યું હતુ. રાજુલા પંથકમા ધોધમાર પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. આવી જ રીતે લાઠી પંથકમા ચાર ઇંચ, લીલીયામા પાંચ ઇંચ અને બગસરામા પણ ચાર ઇંચ વરસાદ પડયો હતો.

લીલીયા તાલુકાના સલડી અને લાઠીના મતિરાળામા આઠથી દસ ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા ઠેરઠેર પાણી પાણીના દ્રશ્યો નજરે પડતા હતા. ખાંભા, જાફરાબાદ અને વડીયામા એક ઇંચ, દામનગરમા પાંચ ઇંચ, ધારીમા ત્રણ ઇંચ, બાબરામા બે ઇંચ, સાવરકુંડલામા દોઢ ઇંચ, ચિતલમા અઢી ઇંચ વરસાદ થયો હતો.

સમયસરની મેઘસવારીથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે. સમગ્ર જિલ્લામા મેઘસવારીની શરૂઆત બપોરબાદ થઇ હતી. ગ્રામ્ય વિસ્તારોમા અતિભારે વરસાદને પગલે નાળા, વોકળાઓ પણ નદીની જેમ વહેવા લાગ્યા હતા.

લગભગ તમામ નદીઓમા ભારે પુરની સ્થિતિ મોડીસાંજે જોવા મળી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે તંત્ર એલર્ટ રખાયુ છે.