અમદાવાદમાં રવિવારથી હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી

rain in gujarat
Last Modified શનિવાર, 9 જૂન 2018 (15:27 IST)

અમદાવાદમાં છેલ્લા અઢી મહિનાથી કાળઝાળ ગરમીએ કેર વર્તાવ્યો છે. પરંતુ હવે ગણતરીના દિવસોમાં ગરમીમાંથી રાહત મળે તેવી પૂરી સંભાવના છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૃપે અમદાવાદમાં રવિવારથી હળવો વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં રવિવારથી હળવા વરસાદની સંભાવના છે. જોકે, કચ્છ જિલ્લામાં હજુ આગામી પાંચ દિવસ સૂકું વાતાવરણ રહેશે અને વરસાદની શક્યતા નહિવત્ છે. હવામાન વિભાગના મતે હાલમાં દક્ષિણપશ્ચિમથી પશ્ચિમની દિશાના પવન છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ગરમીનો પારો ૪૦થી ૪૨ ડિગ્રી વચ્ચે રહેશે. પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૃપે અમદાવાદમાં આજે સવારના સમયે વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. પરંતુ બપોરે ૧૨ બાદ ગરમીએ ફરી કેર વર્તાવવાનું શરૃ કરી દીધું હતું. આજે ભેજનું પ્રમાણ ૬૬% નોંધાયું હતું અને સરેરાશ મહત્તમ તાપમાનનો પારો ૪૨.૬ ડિગ્રી રહ્યો હતો.


આ પણ વાંચો :