મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (13:11 IST)

રાજકોટની એક જ સોસાયટીના વાહનચાલકોને પોલીસે માત્ર દોઢ માસમાં હેલ્મેટના અધધધ 800 મેમો ફટકારી દીધા

રાજકોટ પોલીસે દંડના નામે સરકારની તિજોરી ભરવા જાણે હવાલો લીધો હોય તેવી ઘટના સામે આવી છે. જાણીને નવાઈ લાગે તેવી વાત છે. શહેરમાં નવા ભળેવા મોટામવાના રંગોલી પાર્કમાં વાહનચાલકોને હેલ્મેટ ન પહેરવાથી અધધ 800 મેમા આવ્યાં છે. આ વિસ્તાર શહેરમાં ભળ્યો હોવાથી હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. તેમ છતાં પોલીસ અને મનપા તંત્રની મનમાનીના કારણે લોકો આકરા દંડ ભરવા મજબૂર બન્યાં છે. રહીશોને બહાર નીકળવા માટે કટારિયા ચોકડીથી જ પસાર થવું પડે છે અને પસાર થતાની સાથે જ ઘરે 500 અને 1000નો મેમો પહોંચી જાય છે. અંગે રાજકોટ સીપીને સ્થાનિકો તેમજ ધારાસભ્યએ રજૂઆત કરી છતાં કોઈ સાંભળવા તૈયાર નથી. જો વાહનચાલક ટ્રાફિકનો નિયમ તોડે તો ટ્રાફિક પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદથી ઘર સુધી મેમો પહોંચાડી દે છે, પરંતુ જો તમારું વાહન ચોરી થઈ ગયું અને જાહેર રસ્તા પર દોડતું હોય તો તે વાહન પોલીસની તિસરી આંખ એટલે કે, સીસીટીવીમાં દેખાતા નથી. ચૂંટણી પૂર્ણ થયાના થોડા મહિનાઓ જતાં હવે ફરી મેમાના ફરફરિયા શરૂ થતાં રહીશો એ ચિંતામાં મુકાયા છે કે, હવે મેમા ભરવા કે ઘર ચલાવવું. કારણ કે, અહીં રહેતા 1164 ફ્લેટધારકોને છેલ્લા દોઢ મહિનામાં 10- 20 કે 100 નહીં, પરંતુ 800થી વધુ મેમા ફટકારાતા રહીશોમાં દેકારો બોલી ગયો છે. રંગોલી પાર્ક સહિત આસપાસની 35 જેટલી સોસાયટીના લોકોને ઘર બહાર નીકળવું હોય તો ફરજિયાત કટારિયા ચોકડીથી પસાર થવું પડે છે અને અહીંથી હેલ્મેટ વિના નીકળતા જ 500 કે 1000નો મેમો પહોંચી જાય છે. રોજબરોજની ખરીદી માટે 10 મિનિટ બહાર જવામાં સતત હેલ્મેટ સાથે રાખવું શક્ય નથી. બીજી તરફ આખા શહેરમાં હેલ્મેટના દંડમાંથી મુક્તિ છે અને આ વિસ્તાર શહેરમાં ભળેલ હોવા છતાં મેમો ફટકારવામાં આવે છે. અહીંના રહીશોએ આ અંગે પોલીસ કમિશનર તેમજ મનપા તંત્રને પણ રજૂઆત કરી છે. સાથે જ ધારાસભ્ય લાખા સાગઠિયાએ પણ લોકોની મુશ્કેલી અંગે રજૂઆત કરી છે. લોકોને સાંભળવામાં આવતા નથી. બીજી તરફ એક મેમો ન ભર્યો હોય ત્યાં બીજો મેમો ઘરે પહોંચતા લોકો મુશ્કેલી સહન કરવા મજબૂર બન્યાં છે. દરરોજના દંડથી આ વિસ્તારના લોકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. ત્યારે રહીશોનું કહેવું છે કે, 35 સોસાયટીના 6 હજારથી વધુ લોકોની અવરજવર છે. રિંગ રોડથી પશ્વિમ દિશામાં સોસાયટી આવે તે તમામ લોકોને ત્યાં રોજ કંકોતરીની જેમ મેમો પહોંચી જાય છે. આ વિસ્તાર શહેરમાં હોવાથી હવેથી હેલ્મેટના નવા દંડ ફટકારવાનું બંધ કરવામાં આવે અને જૂના તમામ મેમો રદ કરવામાં આવે. આ વિસ્તારના એક સ્થાનિક આગેવાને જણાવ્યું હતું કે, રોજની સમસ્યા બનેલા મેમો અંગે ડીસીપી આગળ રજૂઆત કરવા ગયા હતાં, પરંતુ તેણે સમય ન હોવાનું કહી મળવાની ચોખ્ખી ના પાડી દીધી હતી. રજૂઆત માટે મળવા ડીસીપી સાથે ધારાસભ્ય લાખા સાગઠિયાએ ફોનથી વાત કરી પરંતુ તેમ છતાં તે મળ્યાં નહીં. એટલું જ નહીં, આટલી મોટી મુશ્કેલી હોવા છતાં સીપી પણ રૂબરૂ મળ્યા નથી.