શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 4 ઑક્ટોબર 2021 (12:00 IST)

રાજકોટના હડાળા ચેકડેમમાં ડૂબી જવાથી 12 વર્ષની જુડવાં બહેનોનાં માતાની નજર સામે મોત

રાજકોટના હડાળામાં આવેલા ચેકડેમમાં નહાવા પડેલી બે સગી બહેનના ડૂબી જવાથી મોત નીપજ્યા હતા, બંને બહેનોને બચાવવા ડેમમાં કૂદનાર તેની પિતરાઇ બહેનનો ચમત્કારિક બચાવ થયો હતો, અને તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. રાજકોટ મોરબી હાઇવે પર હડાળામાં રહેતા રાજેશભાઇ સીતાપરાની 12 વર્ષની બે પુત્રી આશિયા અને અનોખીનું રવિવારે બપોરે ગામના ચેકડેમમાં ડૂબી જવાથી મોત નીપજ્યા હતા. બનાવની જાણ થતાં કુવાડવા પોલીસ સ્ટેશનના જમાદાર કિશનભાઇ અજાગિયા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજેશભાઇના પત્ની બપોરે ગામમાં આવેલા ચેકડેમે કપડાં ધોવા ગયા હતા ત્યારે તેમની સાથે તેમની બેલડાંની પુત્રી આશિયા અને અનોખી તેમજ તેની ભત્રીજી મુસ્કાન રસિકભાઇ સીતાપરા (ઉ.વ.18) પણ ગઇ હતી. રાજેશભાઇના પત્ની કપડાં ધોઇ રહ્યા હતા ત્યારે તેમની બે પુત્રી આશિયા અને અનોખી ડેમના પાણીમાં નહાવા પડી હતી. નહાતી વખતે બંને સગી બહેને ડેમના ઊંડા પાણીમાં ડૂબવા લાગી હતી. આશિયા અને અનોખીને બચાવવા માટે તેની પિતરાઇ બહેન મુસ્કાને પણ ચેકડેમમાં ઝંપલાવ્યું હતું અને બંનેને બચાવવાની કોશિશમાં તે પણ ડૂબવા લાગી હતી, નજર સામે જ બે પુત્રી અને ભત્રીજી ડૂબવા લાગતા રાજેશભાઇના પત્નીએ દેકારો કરતા ગ્રામજનો દોડી ગયા હતા અને ત્રણેય બહેનોને બહાર કાઢી હતી, જોકે આશિયા અને અનોખી બંને બહેનોનાં મોત નીપજ્યા હતા, જ્યારે મુસ્કાનને સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બેલડાંની પુત્રીના એકસાથે જ મૃત્યુ થતાં સીતાપરા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી, અને હડાળામાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું. બનાવ અંગે કુવાડવા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.