બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 23 જાન્યુઆરી 2021 (12:11 IST)

રાજકોટ જિલ્લાના પારડીમાં મહિલાઓએ પ્રશ્નોનો મારો ચલાવતાં મંત્રી કુંવરજી બાવળિયા સ્ટેજ મૂકી ભાગ્યા

રાજકોટમાં લોધિકા તાલુકાના પારડી ગામે પાણીપુરવઠાની યોજનાનું ખાતમુહૂર્ત હતું, જેમાં મંત્રી કુંવરજી બાવળિયા, ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયા સહિતના આગેવાનો હતા. આ દરમિયાન મહિલાઓએ મંત્રી પર પ્રશ્નોનો મારો કરતાં તેમણે સ્ટેજ છોડીને જતાં રહેવાનું પસંદ કર્યું હતું. મહિલાઓએ પાણીપ્રશ્ને મંત્રીને તીખા સવાલો કર્યા હતા અને પૂછ્યું હતું કે કામ ક્યારે પૂરાં થશે, ત્યારે મંત્રી બાવળિયા સ્ટેજ મૂકી ભાગી ગયા

હતા.કુંવરજી બાવળિયા મામલે ભૂપેન્દ્ર સિંહ ચૂડાસમાએ નિવેદન આપ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારમાં રોડ રસ્તા, પાણીનાં કામો થયાં છે, લોકોની સુખાકારીનાં તમામ કામો કરવામાં આવી રહ્યાં છે. આગામી દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપ જીતશે, પારડી ગામની મહિલાઓના વિડિયો મામલે રાજકોટના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ગોળ ગોળ જવાબ આપ્યો હતો.ધારાસભ્ય લાખાભાઈ સાગઠિયાએ નિવેદન આપતાં કહ્યું હતું કે જલ સે નલ યોજનાનો કાર્યક્રમ હતો. કુંવરજીભાઈ બાવળિયા ભાગ્યા નથી, આગામી ત્રણ મહિનામાં લોકોને પાણી મળી જશે,. 2 કરોડ રૂપિયાનાં વિકાસકાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.પારડી ગામે પાણીનો ગંભીર પ્રશ્ન છે, તેથી ત્યાં રહેતા લોકોને ઘરે ઘરે નળ આવે એ માટેની વાસ્મો યોજના અંતર્ગત 2 કરોડનાં કામ મંજૂર થતાં ખાતમુહૂર્ત કરવા માટે પાણીપુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનો આવ્યા હતા. કાર્યક્રમ સમયે મંત્રીએ મહિલાઓ સાથે પ્રશ્નોત્તરી કરવાનું કહ્યું હતું. મહિલાઓએ થોડા પ્રશ્નો ઉપાડ્યા ત્યાં ધીરે ધીરે મામલો ગરમાતો ગયો હતો. ત્યારે મંત્રી બાવળિયાએ મહિલાઓને 6 મહિનામાં કામ પૂરું થઈ જશે એવી ખાતરી આપી છે.ગટર અને કચરાના પ્રશ્નો પર ચર્ચા કરવા મહિલા સ્ટેજ સુધી આવી ગઈ હતી. એ પૈકી એક મહિલાએ ‘નવા મકાન બન્યા ત્યાં ગટરની લાઈન આવી ગઈ, અમારે ત્યાં હજુ ગટર નથી નખાઈ’ તેવું કહેતાં મંત્રી અને આગેવાનો ઊભા થઈ ગયા હતા. સ્થાનિક લોકોએ મહિલાઓને સમજાવી પણ પ્રશ્નો વધુ ઉગ્ર બનતાં કુંવરજી બાવળિયાએ આગેવાનોને ઈશારો કરીને નીકળી જવા કહ્યું હતું, જેથી ધારાસભ્ય સહિતના આગેવાનોએ કાર્યક્રમ સ્થળેથી ચાલતી પકડી હતી.