રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 30 નવેમ્બર 2019 (17:17 IST)

ગુજરાતમાં 2 દિવસમાં 3 બળાત્કારની ઘટના, વડોદરા બાદ હવે રાજકોટ-સુરતમાં બળાત્કાર

ગુજરાતમાં જે પ્રમાણે બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે તેને જોતાં લાગી રહ્યું છે કે મહિલાઓની સ્થિતિ અત્યંત કથળતી જઇ રહી છે. ગુજરાતમાં સબ સલામતના દાવા પોકળ સાબિત થતા બે દિવસમાં જ અલગ-અલગ જગ્યાએ દુષ્કર્મની ત્રણ ઘટના બની છે. વડોદરા,રાજકોટ અને સુરતમાં બળાત્કારની ઘટના બની છે. રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી તેની સાથે સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હોવાની ચોકાવનારી ઘટના સામે આવી છે. જ્યારે સુરતમાં સાવકા પિતા દ્વારા દીકરી પર વારંવાર દુષ્કર્મની ઘટના બની હતી. આ પહેલા શુક્રવારે વડોદરામાં સગીરા પર સામૂહિક બળાત્કારની ઘટના બની હતી. રાજ્યમાં બળાત્કારની ત્રણ ઘટનાથી ચકચાર મચી ગઇ છે અને રાજ્ય સરકાર પર આંગળી ચિંધવામાં આવી રહી છે.
 
સુરતમાં સાવકો બાપ બન્યો શેતાન
સુરતમાં સાવકા પિતા દ્વારા જ પોતાની 11 વર્ષની દીકરી સાથે વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતી એક મહિલાએ તેના પતિ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પતિ છેલ્લા લાંબા સમયથી તેની 11 વર્ષની દીકરી સાથે બળાત્કાર ગુજારતો હતો. પતિના મૃત્યુ બાદ આ મહિલાએ અન્ય એક યુવક સાથે લગ્ન કર્યા હતા. મહિલા કોઇ કારણોસર બહાર ગઇ હતી અને જ્યારે પાછી આવી ત્યારે તેનો પતિ કઢંગી હાલતમાં જોવા મળ્યો હતો જે બાદ મહિલાને શંકા જતાં દીકરીને બોલાવી સમજાવી તેની પાસેથી બધી વાત કઢાવી હતી.
 
રાજકોટમાં અપહરણ કરી આચર્યું દુષ્કર્મ
જ્યારે રાજકોટમાં અજાણ્યા શખ્સો દ્વારા બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ આજી ડેમ સર્કલ નજીક પુલ નીચે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બળાત્કારનો ભોગ બનનારી બાળકીનો પરિવાર મજૂરીકામ માટે રાજકોટ આવ્યો હતો. બાળકી પર બળાત્કાર કરનારા શખ્સે તેને ગુપ્ત ભાગ ઉપરાંત શરીર પર ઈજાઓ પણ પહોંચાડી છે. છોકરીનો રેપ કર્યા બાદ તે તેને ઝૂંપડાથી દૂર મૂકીને નાસી ગયો હતો. આખરે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ શહેરના 80 ફુટના રોડ ઉપર ઝૂંપડામાં સૂતો હતો, તે સમયે તેમની દીકરીનું અજાણ્યા શખ્સે અપહરણ કર્યું હતું. બાળકીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યા બાળકીનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યુ હતું.બનાવની જાણ થતા જ પોલીસ કમિશનર પણ ઘટનાસ્થળે પહોચી ગયા હતા અને આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
 
આ પહેલા વડોદરાના નવલખી મેદાનમાં ગઈકાલ રાત્રે સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી તે દરમિયાન ઝાડી માંથી બે યુવાનો તેની પાસે આવ્યા હતા. બંને યુવાનોએ સગીરાના મિત્ર સાથે મારામારી કરી અને સગીરાનું મોઢું દબાવી ઝાડીમાં લઈ ગયા. જ્યાં બન્ને નરાધમોએ સગીરા સાથે સામુહિક દુષ્કર્મ કર્યું. નવલખી મેદાનમાં પેટ્રોલીંગ કરી રહેલી પોલીસની પીસીઆર વાનને કોઇ યુવતીની બૂમો સંભળાતી હતી. તે દરમિયાન પીસીઆર વાન ચાલકોએ સ્થાનિક લોકોની સાથે સગીરાની શોધખોળ કરી હતી. ત્યારે સગીરા ઝાડીઓની વચ્ચેથી મળી આવી હતી.