શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 27 માર્ચ 2020 (20:11 IST)

અમદાવાદમાં રશિયન યુવક-યુવતી ફસાયા,બંનેને દિલ્હી મોકલવાની વ્યવસ્થા કરાઈ

કોરોના વાયરસના ચેપ લાગવાને કારણે વિશ્વમાં 24 હજારથી વધુ લોકો મોતને ભેટ્યાં છે. આ મહામારીને કારણે ભારતમાં પણ પોઝિટીવ કેસ અને મૃત્યુનો આંકડો વધી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં એક રશિયન યુવક અને યુવતી લોકડાઉનને કારણે ફસાઈ ગયાં હોવાનું સામે આવ્યું છે. આ લોકોની સાથે રાજ્યમાં અનેક વિદેશી નાગરીકો પણ ફસાઈ ગયાં છે અને તેઓ જે હોટેલમાં રોકાયાં છે તે હોટલ લોકડાઉન કરવાને કારણે બંધ કરવાની હોઈ હોટેલના સંચાલકોએ તેમને હોટેલ છોડી દેવા જણાવ્યું છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર યુવક અને યુવતી રશિયાના છે અને એક પ્રોજેક્ટ માટે અમદાવાદ આવ્યા હતા. પરંતુ લોકડાઉનને કારણે તેઓ હોટેલમાં જ ફસાઈ ગયા હતા. તેમાં પણ હોટલ સંચાલકે તેમને હોટેલ બંધ કરવાની છે અને તમે અહીંથી જતા રહેવાનું કહેતા આ યુવક-યુવતીએ પોલીસ કન્ટ્રોલમાં ફોન કરી પોલીસ બોલાવી હતી. જેથી પોલીસ આજે આ વિદેશી યુવક-યુવતીને લઈ અમદાવાદની કલેકટર કચેરીમાં પહોંચી હતી. કોરોનાથી સૌથી વધુ વિદેશી નાગરિકો સંક્રમિત હોવાથી આ યુવક-યુવતીને જોઈ કલેકટર કચેરીમાં હાજર લોકો પણ ગભરાઈ ગયા હતા. ત્યાર બાદ કલેક્ટર ઓફિસમાંથી બન્નેને વિદેશ મોકલવા માટે તજવીજ હાથ ધરવામાં આવી હતી. આ બન્ને યુવક યુવતી અંગે સૌ પહેલા દિલ્હી સ્થિત રશિયન એમ્બેસીમાં જાણ કરવામાં આવી છે અને તેમને દિલ્હી મોકલવા માટે વ્યવસ્થા કરી હતી.