શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : મંગળવાર, 14 મે 2019 (12:49 IST)

ગુજરાતના આ શહેરમાં જન્મદિવસની ઉજવણી પર પ્રતિબંધ

થોડા સમય અગાઉ મિત્રો દ્વારા એક મિત્રની બર્થ ડે સેલિબ્રેશન દરમિયાન માર મારવાને કારણે તેનું મોત થયું હોવાની ઘટના સોશિયલ મીડિયામાં ચર્ચાનો મુદ્દો બની હતી. તે ઉપરાંત ફોમનો ઉપયોગ પણ આગના બનાવનું કારણ બન્યો હતો. જેની તકેદારીના ભાગરૂપે સુરત પોલિસ કમિશનરે જોખમી રીતે બર્થ ડે સેલિબ્રેશન કરવા પ્રતિબંધ લગાવ્યો છે.

આ વિશે જાહેરનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, શહેરના અમુક વિસ્તારમાં ખાસ કરીને સ્કૂલ કે કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે જન્મદિવસની ઉજવણીના બહાને જાહેર જનતાને ખલેલ પહોંચે તે રીતે તેમજ જાહેર સંપત્તિને નુકસાનકારક રીતે અન્ય વ્યક્તિ કે એકબીજાના શરીર પર ઉજવણીના નામે સેલો ટેપ લગાવી, કેમિકલ કે અન્ય ફોમ શરીર પર જબરજસ્તીથી લગાવી માર મારવાની ઘટના ધ્યાને આવી છે. આ પ્રકારની હિંસાત્મક અને ક્રૂર ઉજવણીમાં વ્યક્તિનું મૃત્યુ નિજપવાની શક્યતા રહેલી છે. આ બાબતને ધ્યાને લઈને રાત્રિના સમયે જાહેર બાગ, બગીચા, રસ્તા, બીઆરટીએસ કોરીડોર, બ્રિજ કે અન્ય જાહેર સ્થળોએ અન્ય વ્યકિત પર જબરજસ્તીથી બળપૂર્વક કેક કે સેલોટેપ લગાવવી કે કેમિકલ વગેરે કોઈ ફોમનો ઉપયોગ કરી જાહેર જનતાને ત્રાસદાયક રીતે કે જાહેર સંપતિને નુકસાન થાય તે રીતે જાહેર જગ્યામાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ જાહેરનામાનું પાલન આજથી તા.14-5-19થી આગામી તારીખ 12મી જુલાઈ 2019 સુધી રહેશે.